ધાનેરામાં ડિપ્થેરિયાથી ૪ બાળકોના મોત
અમદાવાદ, બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ડિપ્થેરિયાને કારણે આરોગ્ય વિભાગની ઊંઘ ઊડી ગઇ છે. આરોગ્યની ટીમે તપાસ કરતા અત્યાર સુધી ડિપ્થેરિયાના ૧૪ શંકાસ્પદ કેસ બહાર આવ્યા છે. જેમાંથી ચાર બાળકોના મોત નીપજ્યા હોવાની વાત સામે આવતાં હવે આરોગ્ય વિભાગ સહિત સમગ્ર તંત્ર દોડતુ થઇ ગયુ છે.
હજુ પણ બે બાળકોને હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા છે, જ્યારે આઠ બાળકોને સારવાર આપ્યા પછી હાલ ઘરે રજા અપાઇ છે અને તેઓ સહી સલામત છે. બીજીબાજુ, ડિપ્થેરિયાના હાહાકારને પગલે છેલ્લા ત્રણ દિવસથી આરોગ્યની તાલુકાની તેમજ જીલ્લાની ટીમો પણ હવે સમગ્ર જિલ્લામાં તપાસમાં જાતરાઇ છે. ઘેર-ઘેર તપાસ કરતાં ડિપ્થેરિયાના બીજા સાત કેસ મળ્યા હતા અને વધુ ત્રણ બાળકોના મોત થયાના સમાચાર આવતા ગાંધીનગરની ટીમ પણ ધાનેરા ખાતે આવી પહોંચી હતી અને આરોગ્યના અધિકારી તેમજ કર્મચારીઓ સાથે બેઠક કરી હતી.
ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી ડો. પી.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે, ધાનેરાના સરાલ-વીડ ગામે ડિપ્થેરિયાના કારણે એક બાળકનું મોત થવા પામ્યું છે. તે બાબતને લઇને તપાસ કરતાં અન્ય ૧૪ શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા. જેમાંથી ચાર બાળકોના મોત થયા છે. જેથી આ બાબતે તપાસ ચાલુ છે તેમજ આરોગ્યની ટીમો દ્વારા રસીકરણની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે અને ડિપ્થેરીયાના ફેલાવાને અટકાવવાની તમામ કામગીરી ચાલુ છે. ગાંધીનગરથી પણ મદદનીશ આર.ડી.ડી. તેમજ તેમની ટીમ ધાનેરા ખાતે આવી પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, ડિપ્થેરિયા એક પ્રકારના ઈન્ફેક્શનથી ફેલાતી બીમારી છે. આ કોરીનેબેક્ટેરિયમ બેક્ટેરિયાના ઈન્ફેક્શનથી થાય છે.
આ બેક્ટેરિયાની અસર મોટાભાગે બાળકોમાં વધુ થાય છે. જા કે, મોટાઓને પણ આ રોગ થઈ શકે છે. આ બેક્ટેરિયા સૌથી પહેલાં ગળામાં ઈન્ફેક્શન ફેલાવે છે. જેના કારણે શ્વાસનળી સુધી ઈન્ફેક્શન ફેલાય જાય છે અને દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
એક સ્થિતિ બાદ તેમાંથી ઝેર નીકળવા લાગે છે, જે લોહીના માધ્યમથી બ્રેન અને હાર્ટ સુધી પહોંચે છે અને તેને ડેમેજ કરવા લાગે છે. આ સ્થિતિમાં પહોંચ્યા બાદ દર્દીને મોતનો ખતરો વધી જાય છે. ડિપ્થેરિયા કમ્યૂનિકેબલ ડિસીઝ છે એટલે કે તે સરળતાથી એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાય છે. વેક્સિનેશનથી બાળકને ડિપ્થેરિયાની બીમારીથી બચાવી શકાય છે. નિયમિત વેક્સિનેશનમાં ડીપીટી ડિપ્થેરિયા, ધનુર અને ઉટાંટિયો)નું વેક્સિન લગાવવામાં આવે છે.
એક વર્ષમાં બાળકને ડીપીટીના ત્રણ વેક્સિન લાગે છે. ત્યારબાદ દોઢ વર્ષની ઉંમરમાં ચોથું વેક્સિન અને ચાર વર્ષની ઉંમરમાં પાંચમુ વેક્સિન લાગે છે. વેક્સિનેશન પછી ડિપ્થેરિયા થવાની સંભાવના રહેતી નથી. આરોગ્ય વિભાગના નિષ્ણાતોની સલાહ મુજબ, ૧૨ વર્ષની ઉંમરમાં ફરી બાળકને ડિપ્થેરિયાનું વેક્સિન લગાવવું જોઈએ. હમેશાં નિરોગી રહેવા જમ્યા પછી હૂંફાળા પાણીમાં મીઠું નાખી કોગળા કરવા, દહીં એકલું ક્યારેય ન ખાવું જેવા નિયમો અમલમાં મૂકવા જાઇએ.