ગોપીનાથજી મંદિરના એસપી સ્વામીની કાર પર હુમલો થયો
અમદાવાદ, ભાવનગરના ગઢડાના ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી આજે મંદિરેથી બોટાદ ઇનોવા કારમાં જઇ રહ્યા હતા ત્યારે ગઢડા મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર નજીક બે અજાણ્યા શખ્સોએ કાર પર લોખંડના પાઇપથી હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. અજાણ્યા હુમલાખોરોએ કારના આગળ અને પાછળના કાચ તોડી નાંખી નાસી છૂટ્યા હતા. બાદમાં બંને શખ્સોએ બાઇક લઇને સ્વામીની ગાડીનો પીછો કર્યો હતો.
હુમલાના બનાવ બાદ એસપી સ્વામી સહિતના સંતો પોલીસ મથકે પહોંચ્યા હતા અને બનાવ અંગે પોલીસને માહિતી આપી હતી. ગઢડા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન આ હુમલાને લઇ ગાડી ચાલક દેવેન્દ્ર પટેલે જણાવ્યું કે હતું કે, અમે બહાર ગામ જવા માટે મંદિર બહાર નીકળી રહ્યા હતા. મારી સાથે એસ.પી. સ્વામી અને પ્રકાશ ભગત હતા. ગેટની બહાર નીકળતા જ એક વ્યક્તિએ કાચના આગળના ભાગમાં પાઇપનો ઘા કર્યો હતો.
હુમલાખોરે આગળના કાચ પછી કારનો પાછળનો ભાગ તોડી નાખ્યો હતો. જે બાદમાં બાઇક લઈને બંને વ્યક્તિઓ કારનો પીછો કર્યો હતો. બંને લોકો એવી બૂમો પાડતા હતા કે, ગાડી ઉભી રાખ અને સ્વામીજીને નીચે ઉતારો. આ મામલે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. બીજીબાજુ, આ બનાવને લઇ સમગ્ર પંથકમાં ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભારે ચર્ચા ચાલી હતી.