માસૂમોની હત્યાથી સમાધાન નહીં નીકળે, રશિયા-યુક્રેન વાતચીત કરે: એસ.જયશંકર

નવી દિલ્હી, રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 42મો દિવસ છે. આ દરમિયાન યુક્રેનના બુચા શહેરમાં થયેલા નરસંહાર પર ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે લોહી વહેડાવીને માસૂમોને મારીને કોઈપણ સમસ્યાનો હલ ન લાવી શકાય. સમગ્ર ઘટનાની સ્વતંત્ર તપાસ થવી જોઈએ.
રશિયા અને યુક્રેને વાતચીત દ્વારા સમસ્યાનું સમાધાન લાવવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે જો ભારત મધ્યસ્થતા કરશે તો મને ખુશી થશે.
આ તરફ રોમાનિયાની રાજધાની બુખારેસ્ટમાં એક કાર રશિયાના દૂતાવાસના ગેટ સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ કામમાં આગ લાગી ગઈ હતી અને ડ્રાઈવરનું મોત થઈ ગયું હતું. પોલીસનું કહેવું હતું કે કાર બુધવારે સવારે 6 વાગ્યે દૂતાવાસના ગેટ બહાર ટકરાઈ હતી, પરંતુ કમ્પાઉન્ડમાં પ્રવેશી શકી ન હતી. જોકે કાર અકસ્માતે ગેટ સાથે અથડાઈ હતી કે જાણીજોઈને આવું કરાયું હતું એ જાણવા મળ્યું નથી.
આ દરમિયાન યુક્રેનની વાયુસેનાએ દાવો કર્યો છે કે રશિયાની સેના બેલારુસથી મિસાઈલ હુમલો કરી રહી છે. આ તરફ યુક્રેને રશિયાની 8 ક્રૂઝ મિસાઈલ નષ્ટ કરી દીધી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સંબોધન વખતે ઝેલેન્સ્કી ગુસ્સે થઈ ગયા હતા.
તેમણે કહ્યું હતું કે રશિયાની કાર્યવાહી આતંકવાદી જેવી છે, તેને આ પરિષદમાંથી બહાર કરી દેવું જોઈએ, નહીંતર સંયુક્ત રાષ્ટ્રને બંધ કરી દેવું જોઈએ અથવા તો એમાં મોટા પાયે સુધારો કરવો જોઈએ.