સીએપીએફની હવાઇ મુસાફરી બંધ થવાથી આતંકવાદી હૂમલાનો ખતરો વધશે

શ્રીનગર, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વના આતંકવાદ પ્રભાવિત વિસ્તારોમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની સુરક્ષામાં ભંગ થઇ શકે છે. કારણ એ છે કે હવે આ વિસ્તારોમાં સૈનિકોની અવર-જવર રોડથી થશે. અર્ધલશ્કરી દળો માટે ‘એર કુરિયર સર્વિસ’ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે.
‘કોન્ફેડરેશન ઓફ એકસ પેરામિલિટરી ફોર્સ શહીદ કલ્યાણ સંઘ’એ આને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના જવાનો માટે ખરાબ સમાચાર ગણાવ્યા છે. એસોસિએશનનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં લગભગ ૩૦૦ કિમીનો વિસ્તાર જાેખમી છે. આવા વિસ્તારોમાં આઇઇડી, હેન્ડ ગ્રેનેડ, ડ્રોન અને આત્મઘાતી હૂમલાની સંભાવના ધરાવે છે. સીએપીએફની હવાઇ મુસાફરી બંધ થવાથી હવે કાફલાઓ ફરી શરુ થઇ શકશે.
જવાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં રોડ ઓપનિંગ પાર્ટીઓનું આયોજન કરવું પડશે. ઘાટીમાં હાલમાં ૧૭૦ આતંકવાદીઓ છે, જેમાં ૭૭ પાકિસ્તાની આતંકવાદીઓ અને ૯૩ સ્થાનિક આતંકવાદીઓનો સમાવેશ થાય છે. પહાડો પરનો બરફ પીગળવાથી તેમની ગતિવિધિઓ વધવા લાગી છે.
છેલ્લા બે દિવસમાં ઘાટીમાં અનેક આતંકી હુમલા થયા છે. ‘એર કુરિયર સર્વિસ’ બંધ થવાનો અર્થ એ છે કે હવે ફરીથી કાફલાઓનો યુગ શરુ થશે, જેના માટે સૈનિકોને અંત સુધી પહોંચવા માટે અલગ-અલગ માર્ગો પર તૈનાત કરવા પડશે. આ દળોની કેટલીક બટાલિયન જમ્મુ, પટનીટોપ, રામબન, બનિહાલ, કાઝીગુંડ, અનંતનાગ અને શ્રીનગર અને ૩૦૦ કિમીની લંબાઇવાળા અન્ય વિસ્તારોમાં તૈનાત છે.
ત્યાં પહોંચવા માટે રોડ ઓપનિંગ પાર્ટીઓને ફરીથી રોડ પર તૈનાત કરવી પડશે. ‘કોન્ફેડરેશન ઓફ એકસ પેરામિલિટરી ફોર્સ શહીદ કલ્યાણ સંઘ’ના જનરલ સેક્રેટરી રણબીર સિહંના જણાવ્યા અનુસાર આ માટે જંગી બજેટ અને મેનપાવરની જરૂર પડશે.
આટલી બધી વ્યવસ્થાઓ છતાં આતંકવાદી હૂમલાનો પડછાયો છવાયેલો રહેશે. રેલ્વેના બાહ્ય સિગ્નલો પર લખાયેલ ‘ સાવધાની હટી અને દુર્ઘટના ઘટી’ આ નિયમ કાશ્મીર ખીણમાં સારી રીતે લાગુ પડે છે.HS