જમ્મુ કાશ્મીર પોલીસે અનટોલ્ડ કાશ્મીર ફાઈલ્સ વીડિયો ક્લિપ બહાર પાડી
જમ્મુ, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને લઈ ભારે ચર્ચા અને વિવાદ જાગ્યો છે ત્યારે આ બધા વચ્ચે જમ્મુ કાશ્મીર પોલીસે અનટોલ્ડ કાશ્મીર ફાઈલ્સ (Untold Kashmir Files) બહાર પાડી છે. પોલીસે 57 સેકન્ડની આ વીડિયો ક્લિપ બહાર પાડવાની સાથે જ એવો દાવો કર્યો છે કે, ઘાટીમાં દરેક ધર્મના લોકો આતંકવાદનો શિકાર બન્યા છે.
પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ક્લિપનો ઉદ્દેશ્ય એ બાબત રેખાંકિત કરવાનો છે કે, કઈ રીતે તમામ કાશ્મીરીઓ (આસ્થાની પેલે પાર) ઉગ્રવાદનો શિકાર બન્યા હતા.
જમ્મુ કાશ્મીરના એક પોલીસ અધિકારીએ આ શોર્ટ ક્લિપ અંગે જણાવ્યું કે, ‘આ નાગરિકો સુધી પહોંચવાનો એક પ્રયત્ન છે કે અમે તેમની પીડા સમજીએ છીએ અને આતંકવાદ સામેની લડાઈમાં આપણે બધા એકસાથે છીએ.’
ગત 31 માર્ચ 2022ના રોજ જમ્મુ કાશ્મીર પોલીસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. સંજોગોવશાત (4 એપ્રિલના રોજ) ઘાટીમાં પ્રવાસીઓ અને કાશ્મીરી પંડિતો પરના હુમલામાં એક નવી તેજી જોવા મળી છે.
અધિકારીના કહેવા પ્રમાણે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ કાશ્મીરી પંડિતોની દુર્દશા પર કેન્દ્રીત છે પરંતુ અહીં અનેક લોકોને લાગે છે કે ફિલ્મ ઘાટીમાં આતંકવાદના કારણે કાશ્મીરી મુસલમાનોની પીડાને સંપૂર્ણપણે નજરઅંદાજ કરે છે.
આ વીડિયો ક્લિપમાં 27 માર્ચના રોજ ઘાટીમાં એક SPO અને તેમના જુડવા ભાઈની શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા હત્યાનો ઉલ્લેખ કરીને શોકમાં ડૂબેલી એક મહિલા બતાવવામાં આવી છે.
પીડિતોની તસવીરો સાથે ફ્રેમમાં લખાઈને આવે છે કે, ‘આતંકવાદીઓએ SPO ઈશફાક અહમદના ઘરમાં ઘૂસીને તેમને તેમના ભાઈ ઉમર જાન સાથે મારી નાખ્યા. કાશ્મીરમાં આ પ્રકારના ટાર્ગેટ કિલિંગમાં 20,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સમય આવી ગયો છે કે, આપણે વાત કરીએ.’