લગ્નની ભેટમાં પેટ્રોલ અને ડીઝલ: મિત્રોની ભેટ જોઈને વરરાજા ચોંકી ગયા
તમિલનાડુ, લગ્નની ભેટમાં પેટ્રોલ અને ડીઝલ ! જી હા, અમે કોઈ મજાક નથી કરી રહ્યા પરંતુ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એ હદે પહોંચ્યા છે કે હવે લોકો પોતાના મિત્રોને લગ્ન પ્રસંગે ભેટમાં પણ આપી રહ્યા છે.
તાજેતરનો આ મામલો તમિલનાડુના ચેય્યુરનો છે. ગ્રેસ કુમાર અને કીર્તનાના મિત્રોએ તેમને લગ્નની ભેટ તરીકે 1 લીટર પેટ્રોલ અને 1 લીટર ડીઝલ આપ્યું છે. મિત્રોની આ અનોખી ભેટ જોઈને પહેલા તો આ નવવિવાહીત યુગલ ચોંકી ગયુ હતું. ત્યારબાદ તેમણે મિત્રોની પોતાના માટેની આ ભેટને રાજીખુશીથી સ્વીકાર કરી હતી.
નવવિવાહીત યુગલે સ્ટેજ પર જ પેટ્રોલ અને ડીઝલની ભેટ સ્વીકારીને મિત્રો સાથે ફોટો પણ પડાવ્યા હતા જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
દેશમાં 22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવ વધારાની અસર તમિલનાડુ પર પણ પડી છે. અહીં એક લીટર પેટ્રોલની કિંમત 110.85 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.94 રૂપિયા પ્રતિ લીટર સુધી મળી રહ્યું છે. આ ભાવ વધારાથી સામાન્ય માણસના ખીસ્સાની હાલત દયનીય બની છે.
છેલ્લા 17 દિવસમાં દેશભરમાં પેટ્રોલ 10 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે. સરકારે ઈંધણની કિંમતોમાં લગભગ દરરોજ 80-80 પૈસાનો વધારો કર્યો છે. જોકે ગુરૂવારે સરકારી ઓઈલ કંપનીઓએ તેમના ભાવમાં વધારો નહીં કર્યો હોવાથી લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી રાહત મળી છે. દિલ્હીમાં અત્યારે પેટ્રોલ 105.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે