કિલો લીંબુનો ભાવ ૨૦૦ રૂપિયાને પાર જતાં લોકો પરેશાન
અમદાવાદ, છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં વધેલા લીંબુના ભાવ ચર્ચાનો વિષય બન્યા છે. પ્રતિ કિલો લીંબુનો ભાવ ૨૦૦ રૂપિયાને પાર જતાં લોકોના દાંત ખટાઈ ગયા હતા અને હવે તો ચક્કર આવી જાય તેટલો ભાવ વધારો થયો છે! અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એક લીંબુની કિંમત સાઈઝના આધારે ૧૮થી૨૫ રૂપિયાની વચ્ચે છે.
હોલસેલ માર્કેટમાં પ્રતિ કિલો લીંબુનો ભાવ ૨૩૦ રૂપિયાની આસપાસ છે જ્યારે સેટેલાઈટ, જાેધપુર, વસ્ત્રાપુર જેવા વિસ્તારોના છૂટક બજારમાં એક કિલો લીંબુનો ભાવ ૪૦૦ રૂપિયા છે.
જમાલપુર APMCના સેક્રેટરી દીપક પટેલે કહ્યું, કાળઝાળ ગરમી ઉપરાંત ચૈત્રી નવરાત્રી અને પવિત્ર રમઝાન માસને કારણે ગત અઠવાડિયે ૧૩૦ રૂપિયે કિલો વેચાતાં લીંબુ હવે ૨૩૦ રૂપિયે કિલો વેચાય છે.
ગુજરાત અને દક્ષિણ ભારતમાં કમોસમી વરસાદ અને ખરાબ વાતાવરણના કારણે લીંબુના ઉત્પાદન પર અસર પડી છે. ભાવનગર અને રાજકોટ ગુજરાતમાં લીંબુના મુખ્ય ઉત્પાદકો છે પરંતુ આ વખતે અહીં પણ ખાસ ઉત્પાદન નથી થયું.
નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં થયેલા માવઠાને કારણે લીંબુના પાકને નુકસાન થયું છે. APMC યાર્ડના હોલસેલ વેપારી ચિરાગ પ્રજાપતિએ કહ્યું, “ગુજરાતમાંથી લીંબુનો જથ્થો અલ્પ માત્રામાં પ્રાપ્ત થયો છે. લીંબુના પુરવઠા માટે દક્ષિણ ભારતના આશરે છીએ. હાલ આંધ્રપ્રદેશ અને કર્ણાટકથી પ્રતિ દિવસ ૫૦ ટન લીંબુનો જથ્થો આવે છે.
આખો દેશ લીંબુની માગ સંતોષવા માટે આ બંને રાજ્યો પર નભે છે. સપ્લાયની તંગી નથી કારણકે છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ જ માત્રમાં પુરવઠો મળી રહ્યો છે. પરંતુ શનિવારથી માગમાં વધારો થયો છે અને તેના કારણે ભાવ વધ્યા છે. APMCના અધિકારીઓનું માનવું છે કે, રવિવારે નવરાત્રી પૂર્ણ થશે અને ગરમીમાં પણ થોડી રાહત મળવાના આસાર છે જેના લીધે લીંબુના ભાવમાં ઘટાડો જાેવા મળી શકે છે.
એટલે, સોમવારથી જથ્થાબંધ બજારમાં એક કિલો લીંબુના ભાવ ૧૦૦ રૂપિયા થશે જ્યારે છૂટક બજારમાં ૨૦૦ રૂપિયે કિલો લીંબુ વેચાઈ શકે છે. નવરંગપુરાના એક વેપારી રાજેશ ગુર્જરે કહ્યું, “પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતાં ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ૨૫ ટકા જેટલો વધી ગયો છે.
જમાલપુરથી નવરંગપુરા સુધી શાકભાજી લાવવા માટે હું લોડિંગ રિક્ષાનું ૪૦૦ રૂપિયા ભાડું ચૂકવતો હતો પરંતુ હવે ૫૫૦-૬૦૦ રૂપિયા આપવા પડે છે. હોલસેલ માર્કેટમાં નાના અને ખરાબ ગુણવત્તાના લીંબુ પણ ૨૦૦ રૂપિયે કિલોની આસપાસ વેચાય છે.SSS