અજમેરમાં પણ કલમ 144 લાગુ, ઘાર્મિક આયોજનમાં નિયંત્રણો

નવી દિલ્હી, રાજસ્થાનના કરૌલીમાં કોમી હિંસા બાદ અજમેરમાં હવે કલમ 144 લગાવી દેવામાં આવી છે. શહેરમાં આગામી એક મહિના સુધી કોઈ પણ જાતના ધાર્મિક કાર્યક્રમમાં ઝંડાઓ અને બેનરોનો ઉપયોગ નહીં થઈ શકે.
જોકે કલેકટરનુ કહેવુ છે કે, સરઘસ કાઢવા પર રોક નથી, પરવાનગી સાથે સરઘસ નીકળી શકશે પણ માહોલના બગડે તે માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે.
આદેશ પ્રમાણે સરકારી ઈમારતો પર કોઈ પ્રકારના ધાર્મિક ચિન્હો લગાવી નહીં શકાય. ડીજેના ઉપયોગ પર પણ રોક લગાવાઈ છે. આ બંને પ્રતિબંધ પાછળ સામાજિક સદભાવના બગડે તેવુ કારણ આપવામાં આવ્યુ છે.
આદેશમાં કહેવાયુ છે કે, જિલ્લામાં ધાર્મિક આયોજનમાં સરકારી સ્થળ, જાહેર સ્થળ, વીજળી તેમજ ટેલિફોનના થાંભલા પર કે કોઈની પ્રોપર્ટી પર પરવાનગી વગર બેનરો અને ઝંડાઓ લગાવી નહીં શકા.
જોકે હિન્દુ સંગઠનો અને ભાજપ આ આદેશ બાદ ભડકયા છે.કારણકે તેમને લાગી રહ્યુ છે કે, આગામી દિવસોમાં રામ નવમી, મહાવીર જયંતિ તેમજ હનુમાન જયંતિ જેવા તહેવારો આવી રહ્યા છે અને તેને લીધે જ આ આદેશ લાગુ કરાયો છે.
ભાજપનુ કહેવુ છે કે, કોટા, બીકાનેર, જોધપુર બાદ અજમેરમાં આવો આદેશ આપીને સરકાર હિન્દુ તહેવારો પર લગામ કસવા માંગે છે. જે સહન નહીં કરી લેવાય. જો આદેશ પાછો નહીં લેવાયો તો રસ્તા પર ઉતરીને તેનો વિરોધ કરાશે.