વાલિયાની ગોદરેજ કંપનીમાં ચોરીને અંજામ આપનારા ઈસમ ઝડપાયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના વાલિયાની ગોદરેજ કંપનીમાં ચોરીની ઘટનાના તસ્કરને ભરૂચ એલસીબી પોલીસે કનેરાવ ગામ માંથી ઝડપી પાડી ચોરીનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીને વાલિયા પોલીસે મથકે સોંપી વધુ તપાસ હાથધરી છે.
વાલિયા જીઆઈડીસીમાં આવેલી ગોદરેજ કંપનીમાં થયેલ ચોરીમાં સંડોવાયેલ તસ્કર કનેરાવ ગામની સીમમાં ચોરીનો મુદ્દામાલ સગેવગે કરવાની તૈયારીઓ કરે છે.તેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે ગામની સીમમાં વોચ ગોઠવી હતી.
તે દરમ્યાન ચોરીનો સામાન સગેવગે કરતી વેળા પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી ચોરી થયેલા એસએસના વાલ્વ,પાઈપ મળી કુલ રૂ.૪૫ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કનેરાવ ગામમાં રહેતા પિયુષ ઉર્ફે પ્રવીણ ગોમાન વસાવાને ઝડપી પાડ્યો હતો.
આરોપીની વધુ પુછપરછ કરતા તેણે વર્ષ-૨૦૨૦ માં ભરૂચના ચાવજ ગામ નજીક આવેલ વીડિયોકોન કંપનીમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પણ કબૂલ કર્યું હતું.પોલીસે તેની અટકાયત કરી વાલિયા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથધરી છે.