કેનેડાના ટોરન્ટોમાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા

ટોરન્ટો, દિલ્હી નજીક આવેલા ગાઝિયાબાદમાં રહેતા વિદ્યાર્થી કાર્તિક વાસુદેવનું કેનેડાના ટોરન્ટોમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કાર્તિકના પરિવારને પહેલા તે મિસિંગ થયો હોવાની અને થોડા કલાક બાદ તેની હત્યા થઈ હોવાની માહિતી મળી હતી. કાર્તિક સાહિબાબાદ સ્થિત રાજેન્દ્રનગરના સેક્ટર-5માં રહેતો હતો.
કાર્તિકના પિતા હિતેશ વાસુદેવે જણાવ્યું કે તેમનો પુત્ર MBAના અભ્યાસ માટે 4 જાન્યુઆરી, 2022નાં રોજ ટોરન્ટો ગયો હતો. તે અભ્યાસની સાથે એક રેસ્ટોરાંમાં પાર્ટ ટાઈમ જોબ પણ કરતો હતો. પરિવારે આ ઘટના બાદ કેનેડા એમ્બેસીનો સંપર્ક કર્યો છે. લગભગ 3 દિવસમાં કાર્તિકનો મૃતદેહ ભારત આવશે તેવી આશા છે.
પિતાના જણાવ્યા મુજબ, આજે સવારે કાર્તિકના મિત્રનો ફોન આવ્યો કે તે મિસિંગ છે. મિત્રોએ જણાવ્યું કે આજે કાર્તિક ન તો કામ પર આવ્યો કે ન તો ત્રણ-ચાર કલાકથી ફોન ઉઠાવી રહ્યો છે. થોડી વાર પછી સમાચાર આવ્યા કે કાર્તિકને ગોળી વાગવાથી મોત થઈ ગયું છે.
કાર્તિકના મિત્રોએ જણાવ્યું કે કેનેડાના સમય મુજબ સાંજે 5 વાગ્યે ટોરન્ટોમાં મેટ્રો સ્ટેશનની બહાર સબ-વેમાં કાર્તિકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. કાર્તિક મેટ્રો સ્ટેશનની બહાર નીકળ્યો જ હતો, ત્યારે કોઈએ તેને ગોળી મારી દીધી. ટોરન્ટો પોલીસે કાર્તિકના મિત્રોને આ ઘટનાની જાણ કરી હતી. જે બાદ કાર્તિકના પરિવાર સુધી આ દુખદ સમાચાર પહોંચ્યા હતા.
કાર્તિકના પિતા હિતેશે ભાવુક થઈને કહ્યું કે- ‘કાર્તિક હવે આ દુનિયામાં નથી રહ્યો. હાલ મારી પાસે વધુ કોઈ જ માહિતી નથી. અમે કેનેડામાં સવાર પડે તેની રાહ જોઈ રહ્યાં છીએ, જે બાદ વધુ જાણકારી મળી શકે. અમને ફ્કત એટલી જ જાણ છે કે કોઈ બ્લેક વ્યક્તિએ કાર્તિકની હત્યા કરી છે.’