હેલિકોપ્ટરથી એન્ટી ટેન્ક મિસાઇલ હેલિનાનું સફળ પરીક્ષણ
જેસલમેર, સોમવારે જેસલમેરના પોખરણ ફાયરિંગ રેન્જમાં ધ્રુવસ્ત્ર હેલિના મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોખરણમાં કરાયેલા ટેસ્ટમાં ‘હેલિના’એ સિમ્યુલેટેડ ટેન્કને નષ્ટ કરી દીધી હતી. એની રેન્જ 7 કિમી સુધીની છે.
એમાં 8 કિલો વિસ્ફોટક મૂકીને શ્રેષ્ઠ સ્ટ્રાઈક મિસાઈલ બનાવી શકાય છે. ટૂંક સમયમાં એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ (ATGM) ભારતીય સેના અને ભારતીય વાયુસેનાને મળવાની અપેક્ષા છે. મિસાઈલનું પરીક્ષણ બંને સેનાની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.
હેલિના, સ્વદેશી એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (એએલએચ)થી લોન્ચ કરવામાં આવી હતી, જેનું ઊંચાઈવાળા વિસ્તારોમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન સંરક્ષણ સંશોધન અને વિકાસ (DRDO)ના વૈજ્ઞાનિકો ભારતીય સેના અને ભારતીય વાયુસેનાની સંયુક્ત ટીમ સાથે હાજર હતા.
મિસાઇલને એક ઇન્ફ્રારેડ ઇમેજિંગ સીકર દ્વારા નિર્દેશિત કરવામાં આવે છે, જે લોન્ચ પહેલાં લોક ઓન મોડમાં કામ કરે છે. એ વિશ્વના સૌથી અદ્યતન એન્ટી-ટેન્ક હથિયારોમાંનું એક છે. એનું વજન લગભગ 45 કિલોગ્રામ છે. એની લંબાઈ 6 ફૂટ એક ઈંચ છે. એનો વ્યાસ 7.9 ઇંચ છે.
હેલિકોપ્ટરથી છોડવામાં આવેલી નાગ મિસાઈલને રેન્જ વધારીને ‘ધ્રુવસ્ત્ર હેલિના’ નામ આપવામાં આવ્યું છે. એ HALના રુદ્ર અને લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરમાં ટ્વિન-ટ્યૂબ સ્ટબને વિંગ-માઉન્ટેડ લોન્ચરથી લોન્ચ કરવામાં આવશે. એની રચના નાગ મિસાઈલથી અલગ છે. મિસાઇલનું લોક ઓન તપાસવા માટે 2011માં પ્રથમ વખત લક્ષ્ય પર લૉક કરીને લોન્ચ કરવામાં આવી હતી.
ઉડાન દરમિયાન હિટ કરવા માટે બીજું લક્ષ્ય આપવામાં આવ્યું હતું, જેને મિસાઇલ દ્વારા નષ્ટ કરવામાં આવ્યું હતું. આમ, મિસાઇલે ઉડાન દરમિયાન અચાનક બદલાયેલા લક્ષ્યને હિટ કરવાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.
13 જુલાઈ, 2015ના રોજ, HALએ જેસલમેરમાં ચંદન ફાયરિંગ રેન્જ ખાતે રુદ્ર હેલિકોપ્ટરથી ત્રણ પરીક્ષણ કર્યા હતા. મિસાઇલ્સ 7 કિમીના અંતરે બે લક્ષ્યને ધ્વસ્ત કરવામાં સફળ રહી હતી.
DRDO અનુસાર, ધ્રુવસ્ત્ર ત્રીજી પેઢીની એન્ટી ટેન્ક મિસાઈલ (ATGM) છે, જેને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર પર સ્થાપિત કરવામાં આવી છે.
ધ્રુવસ્ત્ર મિસાઈલ દરેક હવામાનમાં હુમલો કરવામાં સક્ષમ છે. એ દિવસ અથવા રાત બંને સમય પર અસરકારક છે. એમાં 8 કિલો વિસ્ફોટક મૂકીને એને શ્રેષ્ઠ સ્ટ્રાઈક મિસાઈલ બનાવી શકાય છે.