ગુજરાત નર્મદા યોજના નહેર વિભાગ -૧૫ જંબુસરની જંગમ મિલકત જપ્ત કરવામાં આવી.
(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર તાલુકાના ચાંદપુરાના ધરતીપુત્રની સરદારપુરા ગામમાં જમીન આવેલી જમીન નર્મદા યોજનામાં સંપાદિત થતાં જમીનનો વધુ વળતર નહીં મળતા અરજદાર દ્વારા કેસ દાખલ કરવામાં આવેલ જે અંતર્ગત ડિસ્ટ્રિક્ટ કોર્ટના ચુકાદાની વધુ વળતરની રકમ મેળવવા દરખાસ્ત દાખલ કરેલ.
પરંતુ નર્મદા યોજના નહેર વિભાગ દ્વારા કોઈ રકમ જમા નહીં કરાવતા કોર્ટે જંગમ મિલકત જપ્ત કરવા ફરમાન કરેલ જે અનુસંધાને આજરોજ કચેરીની જંગમ મિલ્કત જપ્તી કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ચાંદપુરાના સૈયદ હજરત અલી હસન અલીની જમીન સરદારપુરા ખાતે બ્લોક નંબર ૧૦૨ ની ૧૭.૭૦ ગુંઠા જમીન આવેલી છે જે નર્મદા યોજના નહેર વિભાગમાં જમીન સંપાદિત કરવામાં આવી હતી.
જેનો વધુ વળતર મેળવવા ૨૦૧૦માં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતોજેનુ ૨૦૧૨ માં અરજદારને વધુ વળતરની રકમ ચુકવવાનો હુકમ થયેલ તેમ છતાય ધરતીપુત્રની કાર્યપાલક ઈજનેર દ્વારા ખેડૂતને કોઈ રકમ ન ચૂકવાતાં ફરી ધરતીપુત્રો દ્વારા મેહરબાન જંબુસર પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં વધુ વળતરની રકમ મેળવવા વકીલ હિમાંશુ પઢિયાર દ્વારા દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી.
દરખાસ્ત અન્વયે સોળ લાખ જેટલી માતબર રકમ કાર્યપાલક ઈજનેર જંબુસરના એ જમા કરાવેલ ન હોય જેથી અરજદારના વકીલ દ્વારા જંબુસર નામદાર કોર્ટમાં જંગમ વોરંટની અરજી આપતા તે ગ્રાહ્ય રાખી મહેરબાન જંબુસર પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ દ્વારા જંગમ વોરંટ કાઢવાનો હુકમ કરેલ.
જે અંતર્ગત નામદાર કોર્ટના બેલીફ દ્વારા અરજદારને સાથે રાખી કાર્યપાલક ઈજનેર નર્મદા નહેર વિભાગ ૧૫ જંબુસરની કચેરી ની તમામ જંગમ મિલ્કત ટેબલ,ખુરશી અને કોમ્પ્યુટર સહિતની ચીજવસ્તુઓની જપ્તી કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.