અમદાવાદ: સોનાના દાગીના પડાવી રુપિયાના બદલે કાગળના બંડલ પધરાવનાર શખ્સ ઝડપાયો
અમદાવાદ, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે રૂપિયાના બંડલ છે તેમ કહી સોનાના દાગીના પડાવી લઈ કાગળના બંડલ આપી છેતરપીંડી કરતી ગેંગના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.
11 એપ્રિલના રોજ પોલીસને બાતમી મળી કે સુનીલ સોલંકી નામનો શખ્સ જે રાણીપ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીના ગુનામાં વોન્ટેડ છે. તે પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરે છે. જે અત્યારે કુબેરનગર નહેરૂનગરના નાકા પાસે ઉભો છે. જેના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
આરોપી સુનીલ સોલંકીની પૂછપરછ કરતા તેણે જણાવ્યુ કે તે અને તેનો સાગરીત પૂનમ રાઠોડ 2021માં રાણીપમાં એક માણસને રૂપિયાના બંડલો છે, તેમ કહી વિશ્વાસમાં લઈ તેની સોનાની ચેન મેળવી કાગળના બંડલ આપી તેની સાથે છેતરપિંડી કરી હતી અને તે ગુનામાં પોતે પકડાયા નહોતાનુ કબૂલ કર્યુ હતુ.
આરોપી તથા તેના સાગરીતો અલગ અલગ શહેરોમાં જઈ રુપિયાના બંડલો છે તેમ કહી તેઓનો વિશ્વાસ કેળવી તેઓની પાસેના કિંમતી દાગીના મેળવી લઈ કાગળના બંડલોનુ પડીકુ આપી છેતરપિંડી કરેલી છે. અગાઉ ઓઢવ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં પકડાયા હતા.