WTO મંજૂરી આપે તો ભારત કાલથી દુનિયાના દેશોને અન્ન પૂરૂ પાડવા તૈયારઃ વડાપ્રધાન
નવી દિલ્હી, પીએમ મોદીએ આજે ગુજરાતના અદાલજ ખાતે અન્નપૂર્ણા ધામની હોસ્ટેલ અને શૈક્ષણિક સંકુલનુ વિડિયો કોન્ફરન્સિંગ થકી ઉદઘાટન કર્યુ હતુ.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ હતુ કે, મેં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે વાત કરી છે અને તેમાં મે કહ્યુ હતુ કે જો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેન મંજૂરી આપતુ હોય તો દુનિયાને ભારત અન્ન પૂરુ પાડવા માટે તૈયાર છે.
પીએમ મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે, આ જંગના કારણે દુનિયાના વિવિધ ભાગોમાં અન્ન ભંડાર ઘટી રહ્યો છે અને દુનિયાના ઘણા દેશો સામે અનિશ્ચિતતા ઉભી થઈ છે. જેને જે વસ્તુની જરુરિયાત છે તે મળી રહી નથી. પેટ્રોલ, તેલ અને ખાતરની ઉપલબ્ધતા ઘટી રહી છે.
દુનિયા સામે હવે બીજી સમસ્યા એ છે કે, ઘણા દેશોના અન્ન ભંડાર ખાલી થઈ રહ્યા છે. હું જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે તેમણે આ મુદ્દાને ઉઠાવ્યો હતો અને મેં સૂચન કર્યુ હતુ કે, જો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન મંજૂરી આપતુ હોય તો આવતીકાલથી ભારત દુનિયાના દેશોને અન્ન પૂરૂ પાડવા માટે તૈયાર છે.
તેમણે ભારતના ખેડૂતોના વખાણ કરતા કહ્યુ હતુ કે, દરેક દેશ પોતાના અન્ન ભંડારને સુરક્ષિત કરવા મથામણ કરી રહ્યો છે ત્યારે આપણી પાસે પહેલેથી પૂરતુ અનાજ છે.
આપણા ખેડૂતોએ દુનિયાને ખવડાવવા માટે પણ વ્યવસ્થા કરી લીધે છે. જોકે આપણે દુનિયાના કાયદા અનુસાર કામ કરવાનુ હોય છે એટલે મને ખબર નથી કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન મારા પ્રસ્તાવને મંજૂરી આપશે કે કેમ…