શાંઘાઈઃ ત્રણ સપ્તાહથી લોકડાઉન છતા કોરોના બેકાબૂ
નવી દિલ્હી, ઝીરો કોવિડ પોલિસી અને આકરા લોકડાઉન છતા પણ શાંઘાઈમાં ચીનની સરકાર કોરોના પર કાબૂ મેળવી શકી નથી.
ચીનના આર્થિક પાટનગરમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે અમેરિકાએ શાંઘાઈમાં કામ કરી રહેલા પોતાના કર્મચારીઓને શહેર છોડવાનો આદેશ આપ્યો છે.
હાલમાં શાંઘાઈમાં લોકડાઉન લાગુ કરાયુ છે. અમેરિકાએ બીજી તરફ શાંઘાઈ ખાતેના વાણિજય દૂતાવાસમાં ઈમરજન્સી ડ્યુટી કરી રહ્યા હોય તે સિવાયના તમામ કર્મચારીઓ અને પરિવારના સભ્યોને શહેર છોડવા માટે કહ્યુ છે.
શાંઘાઈમાં ત્રણ સપ્તાહથી લોકડાઉન લગાવાયેલુ છે. 2.6 કરોડ લોકો પોતાના ઘરોમાં કેદ છે અને આમ છતા કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. બીજી તરફ આકરા લોકડાઉનથી લોકોને ખાવા પીવાની વસ્તુઓ માટે ફાંફા મારવા પડી રહ્યા છે. કોરોનાના દર્દીઓને આઈસોલેશન સેન્ટરોમાં રાખવામાં આવી રહ્યા છે. જ્યાં સ્થિતિ ભયાનક છે.
શાંઘાઈમાં કોરોનાના કારણે વૃધ્ધ વ્યક્તિઓના બહુ મોટા પાયે મોત થયા હોવાનુ કહેવાઈ રહ્યુ છે.