હાર્દિક પટેલને સુપ્રીમ તરફથી રાહત : વિધાનસભા ચૂંટણી લડી શકશે
અમદાવાદ, 2015ના પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોમાં વિસનગરમાં થયેલ તોડફોડ કેસમાં હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર આવ્યા છે. હાર્દિક પટેલે 2019માં ચૂંટણી લડવા મંજૂરી માંગી હતી જે બાબતે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે.
સુપ્રીમની રાહત બાદ હાર્દિક પટેલ હવે વિધાનસભાની 2022ની ચૂંટણી લડી શકશે.
હાર્દિક પટેલે 2015માં પાટીદાર સમાજ માટે અનામતની માંગણીને લઈને પાટીદાર આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. આંદોલનને કારણે હિંસા થઈ હતી અને ભાજપના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ થઈ હતી.
હાર્દિકને ટ્રાયલ કોર્ટ દ્વારા તોફાનોમાં તેની ભૂમિકા માટે અગ્નિદાહ, મિલકતને નુકસાન અને ગેરકાયદેસર એસેમ્બલીના ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ કરી સજાને સ્થગિત કરવાની માંગ કરી હતી જેથી તે 2019ની લોકસભાની ચૂંટણી લડી શકે. જોકે હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી જેના કારણે તે ચૂંટણી નહોતા લડી શક્યા. ત્યારબાદ તેમણે સ્ટે માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
હાર્દિક પટેલના વકીલ મનિન્દર સિંહે કહ્યું હતું કે, તેને ચૂંટણી લડવાની મંજૂરી ન આપવી એ અધિકારનું ઉલ્લંઘન છે. હાર્દિક પટેલે 2019ની લોકસભા ચૂંટણી લડવાની તક ગુમાવી દીધી છે. હાર્દિક પટેલના વકીલે કહ્યું કે, તે કોઈ ગંભીર હત્યારો નથી પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે 2015ના મહેસાણા રમખાણોના કેસમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ હાર્દિક પટેલને દોષિત ઠેરવવા પર સ્ટે આપ્યો છે. જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને વિક્રમનાથની ખંડપીઠે કહ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને સજા પર સ્ટે મૂકવો તે યોગ્ય મામલો છે.
ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, કે હાર્દિક પટેલ ચૂંટણી લડી રહ્યાં છે તે કોર્ટ સમક્ષ મુદ્દો નથી. તેના બદલે આ બાબતનો નિર્ણય ફોજદારી કાયદાના ધારાધોરણના આધારે થવો જોઈએ.
સોલિસિટર જનરલે દલીલ કરતા કહ્યું હતું કે, ફોજદારી કાયદામાં શું સાચું છે તે કહેવા માટે કોઈ ચોક્કસ માર્ગદર્શિકા નથી. હાર્દિક પટેલ જીત્યા હોય કે હારી ગયા હોય તે કોઈ મુદ્દો જ નથી પરંતુ હવે આ બાબત કોર્ટ નક્કી કરશે. હાર્દિક પટેલ સામે એક કેસ IPCના સેક્શન 395ના આધારે પણ નોંધાયેલો છે તે ખરેખર ખૂબ જ ગંભીર છે.