કોરોનાના પડકારો દરમિયાન ભારત-અમેરિકા બંને દેશોની ભૂમિકા પ્રશંસનીય રહી છે

અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને કહ્યું-અમેરિકા અને ભારતે આપસી હિતો ઉપરાંત હિંદ-પ્રશાંત ક્ષેત્રના વિકાસ માટે પણ કામ કર્યું છે ઃ અમેરિકી વિદેશમંત્રી
વોશિંગ્ટન, અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે અમેરિકા અને ભારતે આપસી હિતો ઉપરાંત હિંદ-પ્રશાંત ક્ષેત્રના વિકાસ માટે પણ કામ કર્યું છે. બ્લિંકને કહ્યું કે કોરોના મહામારીના પડકારો દરમિયાન પણ અનેક ક્ષેત્રોમાં બંને દેશોની ભૂમિકા પ્રશંસનીય રહી છે.
ભારત-અમેરિકા શિક્ષણ સહયોગને લઈને હાવર્ડ યુનિવર્સિટીમાં બોલતા બ્લિંકને કહ્યું કે ૨૧મી સદીની સમસ્યાઓના સમાધાન માટે બંને દેશો વચ્ચેની ભાગીદારી ખુબ મહત્વપૂર્ણ અને પ્રાસંગિક છે. મને ભરોસો છે કે અમેરિકા-ભારત વચ્ચે રણનીતિક ભાગીદારી પણ જરૂરી છે.
આ આયોજનમાં ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકર પણ સામેલ થયા હતા. તેમણે ત્યાં ભારતીય વિદ્યાર્થીઓ અને તે રિસર્ચર્સસાથે પણ વાત કરી જેમણે અમેરિકામાં કામ કર્યું છે. આ આયોજનમાં અમેરિકી વિદેશમંત્રીએ એમ પણ કહ્યું કે અમે ભાગ્યશાળી છીએ કે અમેરિકામાં લગભગ બે લાખ ભારતીય વિદ્યાર્થીઓ અમારી યુનિવર્સિટીઓમાં ભણી રહ્યા છે, જે પોતાના જ્ઞાનથી અમારી સંસ્થાઓ અને નાગરિકોને સમૃદ્ધ બનાવવામાં પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે.
અમે જાેઈએ છીએ કે અનેક અમેરિકી વિદ્યાર્થીઓ ફૂલબ્રાઈટ કે ગિલમેન ફેલોશિપ જેવા કાર્યક્રમોના માધ્યમથી ભારતમાં ભણી રહ્યા છે અને કામ પણ કરે છે.
ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર અને રક્ષામંત્રી રાજનાથ સિંહ ભારત-અમેરિકા વચ્ચે ટુ પ્લસ ટુ મંત્રીસ્તરીય વાર્તા માટે અમેરિકામાં છે. હાવર્ડ યુનિવર્સિટીમાં ૨૧મી સદીના પડકારો પર ચર્ચા આ સમિટ દરમિયાન થયું.
અત્રે જણાવવાનું કે બાઈડેનના અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશો વચ્ચે આ પહેલી 2+2 મંત્રીસ્તરની વાતચીત છે. જેમાં અમેરિકા તરફથી સમિટની મેજબાની વિદેશમંત્રી બ્લિંકન અને રક્ષામંત્રી ઓસ્ટિન લોયડ કરી રહ્યા છે.