નડિયાદમાં તાનિયા હત્યા કેસમાં 3 આરોપીઓને આજીવન સજાનો હુકમ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/04/photo_collage11649843770662-1024x525.jpg)
નડિયાદમાં બહુચર્ચિત તાનિયા હત્યા કેસનો ચૂકાદો આજે નડિયાદ કોર્ટે સંભળાવ્યો છે. નડિયાદમાં 5 વર્ષ પહેલાં માસૂમ 7 વર્ષિય બાળકી તાનિયાને તેના પાડોશીઓએ ખંડણીના આશયથી અપહરણ કરી આ બાળકીની નદીમા ફેકી ક્રૂર હત્યા કરી દીધી હતી. આ હત્યા બાદ ઘટનામાં સામેલ પાંચ આરોપીઓની પોલીસે જે તે સમયે ધરપકડ કરી હતી.
આજે નડિયાદની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આકરુ વલણ દાખવી આરોપીઓ પૈકી 3ને આજીવન કેદની સજા સંભળાવી છે. નડિયાદ સંતરામ દેરી રોડ પાછળ લક્ષ ડુપ્લેક્સમા વૃદ્ધ દાદી સાથે રહેતી 7 વર્ષિય બાળા તાન્યાને તેના પડોશીઓએ અપહરણ કરી દીધું હતું.
ઘટનાના 3 દિવસ બાદ તાનિયાનો મૃતદેહ આણંદ જિલ્લાના આંકલાવ ગામની મહીસાગર નદીના પટમાંથી મળી આવ્યો હતો. આ મૃતદેહ સંપૂર્ણ ફોગાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો.
જે તે સમયે પોલીસે મીત ઉર્ફે ભલો વિમલકુમાર પટેલ, ધ્રુવ ઉર્ફે બબુ વિમલકુમાર પટેલ અને આ બન્નેની માતા જીગીશાબેન વિમલકુમાર વિનુભાઈ પટેલ ત્રણેય (રહે.૫, લક્ષ ડુપ્લેક્ષ, જાનકીદાસ સોસાયટીની બાજુમાં, સંતરામ દેરીરોડ, નડીઆદ) તથા કૌશલ પટેલ અને અન્ય એક સગીર મળી કુલ 5 વ્યક્તિઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
અપહરણના સમયે મીત વિમલ પટેલ તેના સાગરીત ધ્રુવ પટેલ, કૌશલ પટેલની પૂછપરછ આદરી હતી. જેમાં આ તમામે અપહરણ કરી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. મીત પટેલે પોતાના અન્ય સાગરીત સાથે મળી સાત વર્ષની તાનિયાને ચોકલેટ, આઈસ્ક્રીમ ખવડાવવાના બહાને અપહરણ કરી ગયો હતો.
આ પછી પકડાઇ જવાની બીકે તેણે તાન્યાને મહીસાગર નદીમાં જીવતી ફેંકી દીધી હતી.
આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ હતી. પોલીસે આરોપીઓ સામે 363,302,364એ, 120બી અને 201 મુજબનો ગુન્હો નોંધી આરોપીઓ વિરુધ્ધ પુરતા પુરાવા મળતાં ના.કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસની સુનાવણી આજ રોજ હાથ ધરાઇ હતી. નડીઆદ એડી.સેસન્સ ડી.આર.ભટ્ટની અદાલતમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ ગોપાલ વી. ઠાકુર, તથા પી.આર.તીવારી તેમજ મુળ ફરીયાદીના વકીલ સંઘર્ષ ટી.બાજપાઈ નાઓએ આ કેસમા કુલ 29 સાક્ષીઓને અને કુલ 97થી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યાં હતા.
સરકારી વકીલ ગોપાલ વી.ઠાકુર નાએ દલીલો કરેલ કે,આ કામના મરણજનાર બાળકી ઉ.વ.7ની હોય તેણીને ખંડણી માંગવાના ઈરાદે અપહરણ કરી વાસદ પુલ ઉ૫૨થી નીચે નાખી દઈ બાળકીનું નિર્દય મોત નીપજાવનાર આરોપીઓને સખ્તમાં સખ્ત સજા કરવા રજુઆત કરેલ જે દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. અને ના.કોર્ટે તમામ આ૨ોપીઓને તકસીરવાન ઠેરવી આરોપીઓ મીત ઉર્ફે ભલો વિમલકુમાર પટેલ, ધ્રુવ ઉર્ફે બબુ વિમલકુમાર પટેલ અને આ બન્નેની માતા જીગીશાબેન વિમલકુમાર વિનુભાઈ પટેલ ત્રણેય (રહે.૫, લક્ષ ડુપ્લેક્ષ, જાનકીદાસ સોસાયટીની બાજુમાં, સંતરામ દેરીરોડ, નડીઆદ)ને આજીવન કારાવાસની સજા સાથે દંડ ફટકાર્યો છે. વધુમાં તમામ આ૨ોપીઓએ મરણજના૨ના માતા પિતાને રૂપિયા 4 લાખનું વળતર ચુકવવાનો હુકમ કરેલ છે.