પ વર્ષમાં ટોલ-અન્ય સોર્સથી ૧ લાખ કરોડની આવક થશે
નવીદિલ્હી, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા આગામી પાંચ વર્ષમાં એક લાખ કરોડ રૂપિયાની આવક કરશે. આ આવક ટોલ અને માર્ગના કિનારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કરવામાં આવશે. આજે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ અંગેની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત સરકાર આગામી પાંચ વર્ષમાં ૭૫૦૦૦ કિલોમીટર માર્ગને ટોલની હદમાં લાવવા માટે ઇચ્છુક છે.
હાલમાં ૨૪.૯૯૬ કિલોમીટર માર્ગ જ ટોલની શ્રેણીમાં આવે છે. આ નાણાંકીય વર્ષમાં જ તેમાં ૨૦૦૦ કિલોમીટરનો વધારો કરવામાં આવશે. ગડકરીએ કહ્યું હતું કે, આ વર્ષના અંત સુધી ટોલથી થનાર આવક ૩૦૦૦૦ કરોડ સુધી પહોંચી જશે. જેમ જેમ અમે માર્ગ અને એમેનીટીઝ બનાવી રહ્યા છીએ. આવક પણ વધી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, જો આ પ્રકારથી સરકારની આવક થાય છે તો બેંકથી લોન પણ લઈ શકાય છે અને મોટા મોટા પ્રોજેક્ટોમાં મૂડીરોકાણને વધારવામાં આવી શકે છે. આગામી પાંચ વર્ષમાં ટોલ અને અન્ય સોર્સમાંથી એક લાખ કરોડની આવક ઉભી કરવાની યોજના અંગે ગડકરીએ સ્પષ્ટપણે વાત કરી હતી.