તુર્કી પોતાના હુમલા રોકી દે નહીં તો બરબાદ કરી નાંખવામાં આવશે: ટ્રમ્પ
વોશિંગ્ટન, તુર્કી દ્વારા સિરીયા પર કરવામાં આવેલા હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બરબાદ કરવાની ચેતવણી આપી હતી. જેને લઇને ટ્રમ્પે કાર્યવાહી કરતાં તુર્કી માટે સ્ટીલ ટેરિફમાં વધારો કરી દીધો છે. આ સાથે જ ૧૦૦ મિલિયન યૂએસ ડોલરની ડીલ પણ રોકી દેવાની જાહેરાત કરી છે. અમેરિકાનું સૈન્ય જેવુ સીરિયાની બહાર નિકળ્યું તેની સાથે જ તુર્કીએ કુર્દિશ કેમ્પ પર હુમલા શરૂ કરી દીધા હતા. જેમાં સીરિયાના કેટલાક વિસ્તાર પર કબજો કરવાનો પ્રયત્ન કર્યો પણ હતો. જો કે ત્યારપછી ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીને ચેતવણી આપી હતી.
તુર્કી સામે કાર્યવાહી કરવાના આદેશ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હસ્તાક્ષર પણ કરી દીધા છે. આ સાથે જ અમેરિકાના નાણા મંત્રાલયે તુર્કીના રક્ષામંત્રી, આંતરિક મંત્રી અને ઊર્જા મંત્રીને પ્રતિબંધિત યાદીમાં મુકી દીધા છે. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રતિનિધિ સભાને પત્ર લખી તુર્કી મામલાને નેશનલ ઇમરજન્સી જણાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે અમેરિકા દ્વારા તુર્કી પર જે કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી તુર્કીને ઝટકો લાગશે. તુર્કી દ્વારા માનવાધિકારનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને સીરિયામાં શાંતિ-સુરક્ષાને ભંગ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જો તુર્કી હુમલાઓ બંધ નહી કરે તો તેની અર્થવ્યવસ્થા બરબાદ કરી દેવામાં આવશે.