OIL INDIA પર થયો Cyber Attack: હેકરોએ રૂ.57 કરોડની કરી માંગણી
નવી દિલ્હી, ભારતની જાહેર ક્ષેત્રની ઓઇલ ઇન્ડિયા લિમિટેડ પર સાયબર એટેક થયો છે અને હેકરોએ 75,00,000$ ની ખંડણી માંગી છે. ભારતીય ચલણમાં આ રકમ રૂ. 57 કરોડ જેટલી થાય છે.
ઓઇલ ઇન્ડિયાના અસમમાં આવેલા હેડક્વાર્ટર પર Ransomware Virusથી સાયબર એટેક કર્યો છે. હેકરોએ કંપનીની આઇટી સિસ્ટમ અને કોમ્પ્યુટર પર સાયબર એટેક કરીને તેને હેક કરી લીધા છે અને
તેને મુક્ત કરવામાં માટે રૂ. 57 કરોડની ખંડણી માંગી છે. સાયબર અપરાધીઓએ આ રકમ બિટકોઇનમા ચૂકવવાની શરત મૂકી છે.
કંપનીએ જણાવ્યુ કે, આ એટેક 10 એપ્રિલ, 2022ના રોજ જિયોલોજિકલ અને રિજરવાયર ડિપાર્ટમેન્ટ પર કરાયો હતો, પરંતુ તેની જાણકારી આઇટી વિભાગે મંગળવારે આપી હતી. હેકરોએ કંપનીના નેટવર્ક, સર્વર અને ક્લાઇન્ટના કોમ્પ્યુટરને પણ નુકસાન પહોંચાડ્યુ છે.
કંપનીના મેનેજર (સિક્યોરિટી) સચિવ કુમારે જણાવ્યુ કે, ઓઇલ ઇન્ડિયા એ સાયબર એટેક થવા અંગે અસમના દુલિયાજાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ IPC(Indian Penal Code) અને IT Act-2000ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આઇટી સિસ્ટમ પર સાયબર એટેકથી મોટુ નુકસાન થઇ રહ્યુ છે અને તેને ફરી શરૂ કરવામાં ઘણો સમય લાગશે.
કંપનીના પ્રવક્તાએ ઉમેર્યુ કે, સાયબર એટેક બાદ પણ ડ્રિલિંગ અને પ્રોડક્શનની કામગીરી સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે, પરંતુ આઇટી સિસ્ટમ સંબંધિત કામગીરી પ્રભાવિત થઇ છે જેમાં ટ્રાન્ઝેક્શન અને ડેટાનું કલેક્શન જેવી મહત્વપૂર્ણ કામગીરીઓ સામેલ છે.