Western Times News

Gujarati News

ક્રિપ્ટો એપ માયટોકનમાં ગુજરાતીઓના ૩૦૦ કરોડથી વધુ ડૂબ્યા

નવીદિલ્હી, ક્રિપ્ટો કરન્સીને લઇને સરકાર ભલે રોકાણકારોને સતત ચેતવતી રહેતી હોય કે પછી તેના પર તોતિંગ ટેક્સ નાખી દીધો હોય પરંતુ રોકાણકારોનો રસ ક્રિપ્ટો કરન્સીને લઇને હજુ પણ એટલો જ જાેવા મળી રહ્યો છે.

ઝડપથી રૂપિયા કમાવવાની લોકોની આ જ લાલચનો ફાયદો ઉઠાવી માયટોકન નામની એક ક્રિપ્ટો એપએ રોકાણકારોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી દીધો હોવાના અહેવાલો મળી રહ્યાં છે.

પાંચેક મહિના પહેલા શરૂ થયેલી આ એપમાં રોકાણ કરીને થોડા દિવસોમાં ૪૦થી ૩૦૦ ટકા જેટલું રિટર્ન મેળવવાની લાલચ આપવામાં આવતી હતી અને અએ રીતે રોકાણકારોના કરોડો રૂપિયા સેરવી લેવાયા છે.

જાેકે વિદેશથી સંચાલિત આ એપએ દોઢ મહિના પહેલા સિસ્ટમ અપગ્રેડેશનના બહાને વળતર ચૂકવવાનું બંધ કરી દઇ વાયદા આપવાનું શરૂ કરી દીધું હતું. વારંવાર વાયદા આપ્યા બાદ પણ માર્ચ મહિના સુધી નાણાં ચૂકવાયા ન હતાં અને ૧ એપ્રિલે તો આ એપ જ બ્લોક થઇ ગઇ હતી જેથી રોકાણકારોને રડવાનો વારો આવ્યો છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ સહિત ગુજરાતના ૫ હજારથી વધુ રોકાણકારોના રૂા. ૩૦૦ કરોડથી વધુ આ એપમાં ડૂબી ગયા છે. આ એપમાં ડોલરમાં રોકાણ કરાવાતું હતું અને તેના બદલામાં મોટા રિટર્નની લાલચ આપવામાં આવી હતી.

આ કંપની સામે દિલ્હી અને મુંબઇમાં એક-એક ફરિયાદ થઇ ચૂકી છે. જાેકે ગુજરાતમાં હજુ સુધી કોઇ ફરિયાદ થઇ નથી. માયટોકન એપ દ્વારા ક્રિપ્ટો કરન્સીના રોકાણ માટે યુએસડીટીનો ઉપયોગ કરવાનુ કહેવામાં આવતું હતું.

તેમાં એક દિવસના રોકાણના ૪૦ ટકા, ૧૫ દિવસના રોકાણના ૫૫ ટકા, ૩૦ દિવસના રોકાણના ૯૯ ટકા, ૬૦ દિવસના રોકાણ માટે ૧૫૦ ટકા અને ૯૦ દિવસ માટે રોકાણના ૧૮૦ ટકા રિટર્ન મળવાની ખાતરી આપવામાં આવતી હતી.

આ ઉપરાંત તેમાં ગોલ્ડ, પ્લેટિનમ અને ડાયમંડ સ્કીમો પણ આપવામાં આવી હતી. આ એપ દ્વારા ૪૫ દિવસમાં રૂપિયા ડબલ થવાની લાલચ આપી રોકાણ મેળવાયા હતાં.

દરમિયાન કેન્દ્ર સરકારે ક્રિપ્ટો કરન્સીથી થકી કમાણી પર ૩૦ ટકા ટેક્સ લેવાની બજેટમાં જાેગવાઇ કરતાં આ એપમાં જેમણે રૂપિયા રોક્યા હતાં તેઓ પોતાના રૂપિયા પરત લેવા તૂટી પડ્યા હતાં.

જાેકે કંપનીએ ત્રણ દિવસમાં ૩૩૦ ટકા વળતરની લાલચ આપી નાણાં ચૂકવણી માટે સિસ્ટમ અપગ્રેડેશનનું બહાનું કરી પેમેન્ટ અટકાવી દીધું હતું. ગત ૭ માર્ચથી લોકોને ચૂકવણી બંધ કરી દેવાઇ હતી.

રોકાણકારોને પહેલા ૧૫ માર્ચ, પછી ૨૧ માર્ચ અને છેલ્લે ૩૧ માર્ટે પેમેન્ટ આપવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ ૧ એપ્રિલથી તો એપ જ બંધ કરી દેવામાં આવી હતી. આ એપ વિદેશથી સંચાલિત થતી હોવાથી તેના માલિકો અંગે પણ કોઇને જાણ નથી. વળી તેનું સર્વર પણ વિદેશમાં જ હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.