વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, પર્થ ખાતે ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
અમદાવાદ, ‘શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ’ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ વર્લ્ડ પીસ એમ્બેસેડર અને પ્રેરણામૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય આશીર્વાદથી તેમજ પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા પાટનગર પર્થમાં શિખરબંધ
શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખઃ ૧૫/૦૪/૨૦૨૨ થી તારીખઃ ૧૭/૦૪/૨૦૨૨ – આમ ત્રણ દિવસ યોજાશે. જેમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન – ઘનશ્યામ મહારાજ, જીવનપ્રાણ અબજીબાપાશ્રી તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સંગેમરમરની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા થશે.
આ મહોત્સવમાં વિશ્વશાંતિ યજ્ઞ પણ યોજાશે. જેમાં વિશ્વપ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડ ઉપસ્થિત રહેશે. તારીખઃ ૧૫/૦૪/૨૦૨૨ના રોજ સવારે ૮ઃ૩૦ વાગે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરના દ્વારનું ઓપનિંગ થશે.
તથા શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણોની મહાપૂજા તથા પરાયણોનો પ્રારંભ થશે.
તારીખઃ ૧૬/૦૪/૨૦૨૨ના રોજ સવારે ૮ઃ૦૦વાગે શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણોનું વાંચન અને પારાયણની પૂર્ણાહુતિ તથા મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞનો પ્રારંભ – વિશ્વશાંતિ યજ્ઞ પ્રારંભ થશે, નગરયાત્રા (એલિઝાબેથ કવેચ) યોજાશે.
તારીખઃ ૧૭/૦૪/૨૦૨૨ના રોજ સવારે ૮ઃ૦૦ વાગ્યાથી મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞની પૂર્ણાહુતિ, મૂર્તિઓની મંગલ પ્રતિષ્ઠા, જીવનપ્રાણ સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ, અન્નકૂટ દર્શન, ઘ્વજારોહણ, આરતી, શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદનો લાભ મળશે.
મહોત્સવમાં વિદેશના લંડન, બોલ્ટન, આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોના હરિભક્તોનો સમૂહ પણ જાેડાશે.