અંકલેશ્વરમાં રેશનિંગ દુકાન સંચાલકનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ
(વિરલ રાણા) ભરૂચ,અંકલેશ્વરમાં વધુ એક રેશનિંગ દુકાન સંચાલકનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે.માથાભારે રેશનિંગ દુકાનદારે અધિકારીને ૩ કલાક દુકાન બહાર રાહ જોવડાવી રાખી હતી.અંદાડા ગામે આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલક પ્રધાનમંત્રી અન્ન યોજનાનું ૭૦૦ ગરીબ પરિવારોનું અનાજ બારોબાર અમીરોને વેચી દીધું હતું.
અંકલેશ્વર SDM નૈતિકા પટેલ અને તેમની ટીમ દ્વારા ચોક્કસ માહિતી આધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ૨ દુકાન માંથી આશરે ૧૫ હજાર કિલો જેટલો અનાજનો જથ્થો બારોબાર વેચી દીધો હતો.તા.૧૩ એપ્રિલથી અનાજનું વિતરણ શરૂ કરવાનું હતું.એ પૂર્વે જ સગેવગે કરી દીધું હતું.મોડી સાંજે દરોડા પાડ્યા હતા. અંદાજે ૭૦૦થી વધુ પરિવારના અનાજ ઉપર તરાપ મારી હતી.
અંકલેશ્વર SDM દ્વારા લગાતાર ગેરકાયદે પ્રવૃતિ અટકાવવા એક પછી એક સર્ચ ઓપરેશન કરી વિવિધ કાંડ ઉજાગર કરાઈ રહ્યા છે.જેમાં હવે અન્ન કાંડ ઝડપી પાડ્યું છે.અંકલેશ્વર SDM નૈતીકા પટેલને ચોક્કસ માહિતી મળી હતી કે અંદાડા ગામ ખાતે સરકારી રેશનિંગની દુકાન ચલાવતા જંખેશ મોદીની દુકાન અને તેને અન્ય એક સસ્તા અનાજની દુકાનના પરવાના ધારક રાણાની દુકાન માંથી જંખેશ મોદી એ સરકાર દ્વારા ફાળવવામાં આવેલ અંદાજિત ૧૪ થી ૧૫ હજાર કિલો અનાજનો જથ્થો ૧૩ એપ્રિલ થી વિતરણ કરવા પૂર્વે જ બરોબર સગેવગે કરી દીધો છે.
નૈતીકા પટેલે બને દુકાન પર સર્ચ કરવા દરોડા પાડ્યા હતા.જો કે માથાભારે દુકાનદાર જંખેશ મોદી એ સ્થળ પર બોલાવા માટે આદેશ કરવામાં આવ્યો હોવા છતાં ૩ કલાક સુધી સ્થળ પર ફરક્યો સુધ્ધાં ના હતો. અંતે કડકાઈ થી કામ લેતા સ્થળ પર આવ્યો હતો અને દુકાન ખોલવા પહેલા પણ શાબ્દિક રક્ઝક કરી હતી અંતે દુકાન ખોલાતા જ અંદર નું દ્રશ્ય જોઈ સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા.
અંદર થી માત્ર ૧૦૦ કિલો ચોખાનો જથ્થો મળી આવ્યો હતો.જયારે બાકીનો અન્નનો જથ્થો સગેવગે થઈ ગયો હતો.કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી અન્ન યોજના અનાજ ગરીબોના પેટમાં જવાના બદલે બારોબાર સગેવગે કરવામાં આવ્યું હતું.જે અંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત ,પુરવઠા મામલતદાર મોહન પટેલ તેમજ અધિકારીઓએ સ્થળ પંચકેશ કરી દસ્તાવેજી રેકર્ડ ચકાસ્યા હતા.આ અંગે જિલ્લા કલેક્ટરને પણ જરૂરી રિપોર્ટ ટેલિફોનિક તેમજ લેખિત મોકલી આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ જીલ્લામાં ખૂબ મોટા પાયે સરકારી અનાજને સગેવગે કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે તેમ છતાં પુરવઠા વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા આ સમગ્ર અનાજ કૌભાંડમાં ગોડાઉન મેનેજર,ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર સહિત દુકાન સંચાલકોની સાંઠગાંઠ થી આ સમગ્ર અનાજ કૌભાંડ ચાલી રહ્યું હોય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.ત્યારે આ કૌભાંડ નો પર્દાફાશ હવે SDM દ્વારા કરવામાં આવી રહ્યું છે.ત્યારે પુરવઠા વિભાગ સહિત પુરવઠા મામલતદારની કામગીરી પણ શંકાના દાયરામાં આવી રહી છે.ત્યારે હવે જોવું એ રહ્યું કે સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ બંધ થાય છે કે ચાલુ જ રહેશે.