૩૫ વર્ષ પછી પણ મેકર્સ કરે છે ઓડિશનની ડિમાન્ડ
મુંબઇ, નાગિન ૬ ટીવી શૉમાં જાેવા મળતા વેટરન ટીવી અભિનેત્રી સુધા ચંદ્રને પોતાના કરિયરમાં અત્યાર સુધી અનેક ટીવી શૉ અને ફિલ્મોમાં કામ કર્યું. ડેબ્યુ ફિલ્મ મયૂરી માટે તેમને નેશનલ અવોર્ડ પણ મળ્યો હતો. પરંતુ તેમણે આટલા વર્ષો કામ કર્યા પછી પણ જે સ્થિતિનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે તેના કારણે તેઓ ઘણાં દુખી છે.
સુધા ચંદ્રને પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં ૩૫ વર્ષ કામ કરવા છતાં લોકો તેમને આજે પણ ઓડિશન અને લુક ટેસ્ટ માટે બોલાવે છે. સુધા જણાવે છે કે જેમને તેમની ક્ષમતા વિશે જાણકારી નથી તેમની સાથે તેઓ કામ કરવા નથી માંગતા.
સુધા ચંદ્રને તાજેતરમાં જ એક ઈન્ટર્વ્યુમાં પોતાની આપવિતી સંભળાવી હતી. તેમણે જણાવ્યું કે આજે પણ તેમને અમુક લોકો ઓડિશન આપવા માટે બોલાવે છે. તે જણાવે છે કે, હું ખુલ્લેઆમ કહુ છું કે હું ઓડિશન નથી આપતી.
જાે મારે ઓડિશન જ આપવું હોય તો ઈન્ડસ્ટ્રીમાં જે મેં ૩૫ વર્ષ કામ કર્યું છે તેનું શું? અને જાે તમને મારી પ્રતિભા વિશે જાણકારી નથી તો પછી હું તમારી સાથે કામ કરવા નથી માંગતી. મારી પાસે અત્યારે પણ ઘણી સ્ક્રિપ્ટ પડી છે, જેમાં લોકો કહે છે- એક કામ કરો, લુક ટેસ્ટ આપી દો.
સુધા ચંદ્રન આગળ જણાવે છે કે, લુકની શું વાત છે, મારો ચહેરો તમારી પાસે છે. અને જ્યારે મારું સિલેક્શન થઈ જાય છે ત્યારે મોટાભાગે લુક્સ હું પોતે જ તૈયાર કરતી હોવુ છું. હું આ બાબતે CINTAA– સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ અસોસિએશન સાથે વાત કરી રહી છું.
મેં જણાવ્યું કે જે સીનિયર કલાકારોએ ૩૦-૩૫ વર્ષ કામ કર્યું હોય તેમનું આવું અપમાન ન થવું જાેઈએ. એક કેમેરામેન, એક ફોટોગ્રાફર અથવા ડીઓપી જેણે શ્રેષ્ઠ ફિલ્મો કરી છે પરંતુ આજે તેમની પાસે કામ નથી. તે કેમ પોતાનું કામ લઈને જઈને બતાવે અને કહે કે જુઓ આ મારું કામ છે, તમે કેમ ઈચ્છો છો કે અમે ઓડિશન આપીએ. મને નથી ખબર આજે ઈન્ડસ્ટ્રી ક્યાં જઈ રહી છે. પરંતુ આ બાબતો સીનિયર એક્ટર્સને દુખ પહોંચાડે છે.
સુધા ચંદ્રને પોતાની કારકિર્દીની શરુઆત ૧૯૮૪માં તેલુગુ ફિલ્મ મયૂરી સાથે કરી હતી. આ ફિલ્મ સુધા ચંદ્રનના જીવન પર આધારિત હતી, જેના માટે તેમને નેશનલ અવોર્ડ પણ મળ્યો હતો.
૧૯૮૧માં સુધા ચંદ્રન એક ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં તેમણે પોતાનો એક પગ ગુમાવી દીધો હતો. ત્યારપછી તેમને આર્ટિફિશિયલ પગ લગાવવામાં આવ્યો હતો. ત્યારપછી સુધા ચંદ્રને ટીવી અને ફિલ્મોમાં દમદાર કમબેક કર્યુ હતું.SSS