દેશનાં 7 રાજ્યમાં કોરોના ફરી બેકાબૂ: દિલ્હી-મુંબઈ અને ગુરુગ્રામમાં સૌથી વધારે કેસ
નવી દિલ્હી, એકવાર ફરી ભારત સહિત દુનિયામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હી, ગુરુગ્રામ અને મુંબઈમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સંજોગોમાં દેશમાં કોરોનાની ચોથી લહેરનું જોખમ ઊભું થયું છે. દિલ્હી સહિત ગૌતમબુદ્ધનગર, ગાઝિયાબાદ, ગુરુગ્રામ જેવાં શહેરોમાં નવા કેસ ઝડપથી વધી રહ્યા છે.
આ દરમિયાન બાળકો વધારે ઝપટમાં આવી રહ્યાં છે. ગૌતમબુદ્ધનગરના સીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અહીં એક સપ્તાહમાં 44 લોકો સંક્રમિત થયા છે. અને તેમની ઉંમર 16થી 18 વર્ષની છે. આમ, હવે નોઈડામાં સક્રિય દર્દીઓની સંખ્યા 167 થઈ ગઈ છે.
દેશમાં કુલ 743 જિલ્લામાંથી 29 એવા છે, જ્યાં વીકલી પોઝિટિવ રેટ 5% કરતાં વધારે છે, એટલે WHOના મત પ્રમાણે, આ જિલ્લામાં સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. એમાં 23 જિલ્લામાં સ્થિતિ વધારે ખરાબ છે. આ 23 જિલ્લામાં પોઝિટિવ રેટ 10 ટકા કરતાં વધારે છે, જ્યારે 8 જિલ્લા એવા છે જ્યાં પોઝિટિવ રેટ 20 ટકા છે. પોઝિટિવ રેટનો અર્થ થાય છે કે 100 ટેસ્ટમાંથી કેટલા દર્દી મળી રહ્યા છે.
ગૌતમબુદ્ધ નગરમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુરુવારે સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટમાં 44 નવા કેસ નોંધાયા છે. તેમાં 15 બાળકો સામેલ છે. 5 દિવસમાં 40થી વધારે બાળકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. 20થી વધારે બાળકોની સારવાર હોમ આઈસોલેશનમાં ચાલી રહી છે.