વધતી ગરમીમાં ગુજરાત સહિત 12 રાજ્યોમાં વીજ સંકટ વધ્યું
નવી દિલ્હી, ગરમી વધતા જ દેશમાં વીજ સંકટ વધી ગયું છે. તેનું કારણ છે કોલસાની અછત. વીજ કાપના કારણે ઉદ્યોગો પણ પ્રભાવિત થવાની શક્યતા છે. દેશની અર્થવ્યવસ્થા કોરોના અને લોકડાઉનમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે એવું લાગે છે કે વીજ સંકટ આ સુધારા પર બ્રેક લાવી શકે છે.
માનવામાં આવે છે કે, આગામી સમયમાં ગુજરાત, યુપી, મહારાષ્ટ્ર, પંજાબ સહિત 12 રાજ્યોમાં વીજ સંકટ ઉભું થઈ શકે છે. હવે કેન્દ્ર સરકારે પણ કોલસાની અછતની વાત સ્વીકારી લીધી છે. જોકે સરકારનું કહેવું છે કે, યુપી, પંજાબમાં કોલસાની અછત નથી, જ્યારે આંધ્ર, રાજસ્થાન, તમિલનાડુ જેવા રાજ્યોમાં કોલસાની અછત ચોક્કસ દેખાય છે.
કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહને જ્યારે કોલસાની અછત વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, પંજાબ અને યુપીમાં કોલસાની અછત નથી.
જ્યારે આંધ્ર, રાજસ્થાન, તમિલનાડુમાં કોલસાની અછત છે. તેમણે કહ્યું કે, આ રાજ્યોમાં કોલસાની અછતના અલગ અલગ કારણો છે. તમિલનાડુ આયાત કરેલા કોલસા પર નિર્ભર છે. પરંતું છેલ્લાં કેટલાક દિવસોથી કોલસાની આયાતના ભાવ વધારે છે તેથી કેન્દ્ર સરકારે હવે રાજ્ય સરકારને તેમની જરૂરનો કોલસો જાતે આયાત કરવા કહ્યું છે.
બીજી બાજુ આંધ્રમાં પણ કોલસાનું સંકટ છે. અહીં રેલવેથી કોલસો પહોંચાડવામાં વાર લાગી રહી છે. તે સિવાય આંધ્ર પ્રદેશના કોલ પ્લાન્ટમાં વિસ્ફોટકની અછત થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, યુક્રેન-રશિયા યુદ્ધના કારણે વિસ્ફોટકની અછત થઈ છે.