યુધ્ધ વચ્ચે પણ રશિયાએ ભારતને એસ-400 મિસાઈલની બીજી ખેપ ડિલિવર કરી
નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે પણ રશિયાએ ભારતને એસ-400 મિસાઈલ સિસ્ટમની બીજી ખેપ ડિલિવર કરી દીધી છે.
ભારતને રશિયાએ આ સિસ્ટમની કુલ પાંચ ખેપ 2023 ઓક્ટોબર સુધીમાં ડિલિવર કરવાનો વાયદો કરેલો છે.જેનાથી ભારતની સીમા સુરક્ષાની ક્ષમતામાં ભારે વધારો થશે.
રશિયાએ ભારતને એવા સમયે ડિલિવરી પૂરી પાડી છે જ્યારે તે યુક્રેન સાથેના યુધ્ધના કારણે પ્રતિબંધનો સામનો કરી રહ્યુ છે. બીજી તરફ એસ-400 સિસ્ટમ ખરીદવા બદલ અમેરિકાએ પણ ભારત પર પ્રતિબંધો મુકવાની ધમકી પહેલા જ આપેલી છે.
જોકે તેના પર હજી અમેરિકાએ અમલ કર્યો નથી અને ભારત કહી ચુકયુ છે કે, પોતાની સુરક્ષા કરવા માટે ભારત જે પણ પગલા ભરવાના હશે તે ભરશે.
આ પહેલા ડિસેમ્બરમાં એસ-400 મિસાઈલ સિસ્ટમની પહેલી ખેપ ડિલિવર થઈ હતી અને તેને પંજાબ સેક્ટરમાં તૈનાત કરવામાં આવી છે.
આ એર ડિફેન્સ સિસ્ટમ દુનિયાની શ્રેષ્ઠ સિસ્ટમ પૈકીની એક મનાય છે.જે દુશ્મનના લડાકુ વિમાનથી માંડીને મિસાઈલ અને ડ્રોનને પણ હવામાં તોડી પાડવા માટે સમક્ષ છે. તેની રેન્જ 400 કિમીની છે. આમ તે 400 કિમી દુર સુધી પ્રહાર કરી શકે છે. જ્યારે તેની ટ્રેકિંગ કરવાની ક્ષમતા 600 કિમીની છે.