અમદાવાદ ડે. મ્યુનિ. કમિશનર તરીકે બદલી પામેલા રમેશ મેરજાનો પાટણની સંસ્થાઓએ આભાર માન્યો
સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીનો શુભેચ્છા અને સત્કાર સમારોહ યોજાયો
સી.એમ. ડેશબોર્ડમાં વિવિધ માનાંકોના આધારે પાટણ જિલ્લાને રાજ્યમાં પ્રથમ ક્રમે પહોંચાડવાની સિદ્ધિ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય આપ સૌના સહયોગથી જ શક્ય બન્યું છે.
પાટણ, સરકારી ફરજ દરમ્યાન બઢતી અને બદલી સામાન્ય પ્રક્રિયા છે પરંતુ પાટણના જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરીકે ફરજ બજાવતાં શ્રી રમેશ મેરજાની અમદાવાદ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થતાં શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓએ શુભેચ્છા સમારંભ યોજી તેમની સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
સાથે જ નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ. સોલંકી તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલને આવકાર આપવામાં આવ્યો હતો.
આ સમારોહના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, શ્રી મેરજાના સહજ અને સાલસ સ્વભાવના કારણે નાગરિકો સીધા જ તેમના સંપર્કમાં આવી પોતાની સમસ્યાઓ જણાવી શકતા હતા. તેમણે ક્ષેત્રિય મુલાકાતો થકી વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કરેલી કામગીરી સરાહનીય છે.
કોરોનાકાળમાં તેમના નેતૃત્વમાં રસીકરણની કામગીરી વેગવંતી બની હતી. હવે અમદાવાદ ખાતે નવી જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે ત્યારે તેમને શુભેચ્છાઓ પાઠવું છું.
પોતાના કાર્યકાળ દરમ્યાનના સ્મરણો વાગોળતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ જણાવ્યું કે, ઐતિહાસિક મહત્વ ધરાવતા પાટણ જિલ્લામાં ફરજ બજાવવાનો અવસર મળ્યો તે મારા માટે સૌભાગ્યની વાત છે. અહીં જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ બાદ પ્રથમવાર અનુભવ થયો કે માત્ર વહિવટી તંત્રના પ્રયાસો પૂરતા નથી.
પાટણ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તંત્રના ખભે ખભો મિલાવી કોરોના જેવા આપત્તિના કાળમાં જે કામગીરી કરવામાં આવી તે સરાહનીય છે. સી.એમ. ડેશબોર્ડમાં વિવિધ માનાંકોના આધારે જિલ્લાને રાજ્યમાં પ્રથમ ક્રમે પહોંચાડવાની સિદ્ધિ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય આપ સૌના સહયોગથી જ શક્ય બન્યું છે.
આ સાથે જ નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ. સોલંકીએ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં જિલ્લાના જે વિસ્તારોમાં વિકાસનો અવકાશ છે તેના સમોચિત વિકાસની નેમ વ્યક્ત કરી હતી. જ્યારે નવનિયુક્ત પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુચારૂપણે જળવાઈ રહે તે માટે નિષ્ઠાપૂર્ણ પ્રયત્નો કરવાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
સમારોહના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ શ્રી રમેશ મેરજાને શ્રીફળ, શાલ અને મોમેન્ટો અર્પણ કર્યો હતો. સાથે જ નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ. સોલંકી તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.
ઉપરાંત શહેરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ દ્વારા શ્રી રમેશ મેરજાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરીકેના કાર્યકાળ દરમ્યાનના સંસ્મરણો વાગોળી ફરજના નવા ફલક પર ઉત્કૃષ્ઠ કામગીરી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.