Western Times News

Gujarati News

બરવાળામાં કાર-રીક્ષા વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત

અમદાવાદ, ગઇ મોડી રાત્રે બરવાળાથી બેલા તરફ એક રીક્ષા જઇ રહી હતી ત્યારે બોટાદથી બરવાળા આવી રહેલી પોલીસની પી.સી.આર વાન સાથે રીક્ષા ધડાકાભેર અથડાતા ફંગોળાઇ હતી. બહુ ગંભીર અને ગમખ્વાર એવા આ અકસ્માતમાં બોટાદ પોલીસની કારની ટક્કરથી રીક્ષામાં સવાર ત્રણ મુસાફરોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણને ગંભીર ઇજા પહોંચતા તમામને એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે એકને બોટાદ અને બે જણાંને ભાવનગર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. અકસ્માત સર્જનાર બોટાદ પોલીસની જ પીસીઆર વાન હોવાથી સ્થાનિકોમાં અને ભોગ બનેલા પરિવારજનોમાં કાયદાનુસાર કાર્યવાહી કરવાની સખત માંગણી કરી હતી. આ ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત માહિતી મુજબ, બરવાળા-બોટાદ હાઇવે પર સમઢીયાળા નજીક ગત મોડી રાત્રે બોટાદ પોલીસની પી.સી.આર. વાન અને રીક્ષા સામસામી ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતમાં રીક્ષામાં મુસાફરી કરતાં વિનોદભાઇ હેમુભાઇ સાદરીયા, મહમદભાઇ અમહમદ શાહ અને મેંજીભાઇ ફલજીભાઇ વાઘેલાનાં કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ મુસાફરોને ગંભીર ઇજા થતાં ૧૦૮ ઇમરજન્સીમાં હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે, બોટાદ પોલીસની બોલેરોની ટક્કર લાગતા રીક્ષા રોડની સાઇડમાં માટીનાં ઢગલા ઉપર ફંગોળાઇને પડી હતી અને તેનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. અકસ્માત બાદ મુસાફરોની ચીચીયારીઓથી હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.