મહારાષ્ટ્ર: ધર્મસ્થળો પર લાઉડસ્પીકર લગાવવા ગૃહ વિભાગની મંજૂરી જરૂરી

પૂણે, મહારાષ્ટ્રમાં અઝાન અને હનુમાન ચાલીસા પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને સરકારમાં ચાલતી ખેંચતાણ વચ્ચે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આદેશ આપ્યો છે કે, ધર્મસ્થળ પર લાઉડ સ્પીકર લગાવતા પહેલાં ગૃહ વિભાગની મંજૂરી લેવી જરૂરી છે.
તાજેતરમાં જ ગૃહ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા સર્ક્યુલર પ્રમાણે, હવે સ્પીકર લગાવતા પહેલાં પોલીસ કમિશનર ઓફિસ જઈને મંજૂરી લેવી જરૂરી છે. આજે બપોરે આ મુદ્દે ગૃહમંત્રી દિલીપ વાલસે પાટિલ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે એક મીટિંગ પણ થઈ હતી.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરે દ્વારા 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે. આ દરમિયાન નાસિક પોલીસ કમિશનર દીપક પાંડેએ કહ્યું કે, 3 મે સુધી માત્ર મસ્જિદોમાં જ નહીં પરંતુ દરેક ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકર લગાવવા માટે મંજૂરી લેવી પડશે. મંજૂરી પછી તેઓ નક્કી કરેલા ડેસિબલમાં જ સ્પીકર વગાડી શકશે.
દીપક પાંડેએ જમાવ્યું કે, નિયમ પ્રમાણે મસ્જિદો, મંદિરો, ગુરુદ્વારા, ચર્ચ અને અન્ય ધાર્મિક સ્થળોએ તેમના ત્યાં સ્પીકર લગાવવા માટે લેખિતમાં અરજી આપવી પડશે.
આ આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમાં 4 મહિનાથી એક વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. નાસિક કમિશનરે જણાવ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જ દરેક લોકોને મંજૂરી આપીશું.