આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધો શરૂ: હોંગકોંગની ફ્લાઈટ 24 એપ્રિલ સુધી રદ્દ
નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી શરૂ થયે હજી એક મહિનો પણ નથી થયો ત્યાં ફરી હવાઈ મુસાફરી પર કોરોનાનો ઓછાયો વર્તાઈ રહ્યો છે. ચીનમાં વધતા કોરોના સંક્રમણને પગલે હોંગકોંગની ફ્લાઈટ પર 24 એપ્રિલ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
એક અધિકારીએ જણાવ્યું કે હોંગકોંગ ફ્લાઈટમાં ત્રણ પેસેન્જરોને કોરોના સંક્રમિત મળ્યા બાદ ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
સોમવારે આપવામાં આવેલા એક નિવેદનમાં એર ઈન્ડિયાએ કહ્યું કે ભારતના પ્રવાસીઓ ત્યારે જ હોંગકોંગ જઈ શકે છે જો તેમની પાસે મુસાફરીના 48 કલાક પહેલા કોરોના ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ આવે.
આ ઉપરાંત તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે હોંગકોંગના એરપોર્ટ પરિસરમાં પહોંચ્યા પછી કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર 16 એપ્રિલે એર ઈન્ડિયાની AI316 દિલ્હી-કોલકાતા-હોંગકોંગ ફ્લાઈટમાં હાજર ત્રણ મુસાફરો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.
કોરોનાની ત્રણેય લહેરમાં એરલાઈન્સ સેક્ટર જ સૌથી વધુ પ્રભાવિત થયું હતુ. બે વર્ષ સુધીના લાંબા પ્રતિબંધ પછી ભારતમાં 27 માર્ચે નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી હતી.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયાએ હોંગકોંગ સત્તાધીશોએ લાદેલ કોરોનાના નવ નિયંત્રણો અને મર્યાદિત માંગને કારણે હોંગકોંગ માટે ફ્લાઇટ સર્વિસ રદ કરી છે.