ઉદ્ગમ સ્કુલની ૯૦ વાન રદ્દ કરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં સ્કુલ વાન અને રીક્ષા માટે આરટીઓ દ્વારા કડક નિયમો બનાવવામાં આવેલા છે અને આરટીઓ દ્વારા તમામ સ્કુલ વાહનોનું નિયમિત ચેકિંગ કરવામાં આવી રહયું છે. નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ચેકિંગ દરમિયાન શહેરની ઉદ્ગમ સ્કુલની સ્કુલવાનોને ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે આરટીઓ દ્વારા સતત ચેતવણી આપવામાં આવતી હતી પરંતુ તેની ધરાર અવગણના કરવામાં આવતા આખરે ૯૦ જેટલી વાનો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જેના પરિણામે ૧પ૦૦થી વધુ વિદ્યાર્થીઓને અસર પહોંચી છે. કેટલાક વિદ્યાર્થીઓને વાલીઓએ પોતે સ્કુલે મુકવા જવુ પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
શાળામાં ભણતા બાળકો માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્કુલ વાહનો માટે કડક નિર્દેશો આપ્યા હતા અને તેનો અમલ છેલ્લા બે વર્ષથી કરવામાં આવી રહયો છે. આરટીઓ દ્વારા તમામ સ્કુલ વાહનોનું નિયમિત ચેકિંગ કરવામાં આવી રહયું છે. આ દરમિયાન કેટલાક વાહનો જપ્ત પણ કરવામાં આવ્યા છે. તમામ નિયમોનું પાલન કરવા માટે તમામ સ્કુલ વાહનોના ચાલકોને જાણ કરવામાં આવી રહી છે.
આ દરમિયાનમાં ઉદ્ગમ સ્કુલની સ્કુલ વાનોમાં નિયમોનું પાલન નહી થતું હોવાથી જાણવા મળ્યું હતું. આરટીઓ અધિકારીના ચેકિંગમાં ઉદ્ગમ સ્કુલની ૯૦ જેટલી વાનોને ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે જણાવવામાં આવ્યું હતું.
પરંતુ છેલ્લા ઘણા સમયથી સ્કુલ વાનના ચાલકો આરટીઓના અધિકારીના આદેશની અવગણના કરતા જાવા મળ્યા હતાં જેના પરિણામે આખરે આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો અને ઉદ્ગમ સ્કુલની ૯૦ જેટલી સ્કુલ વાનોને રદ કરવામાં આવી છે. સ્કુલ વાનો રદ્ થતાં જ ૧પ૦૦થી વધુ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વિદ્યાર્થીઓ પાસે હવે માત્ર સ્કુલ બસનો જ વિકલ્પ જાવા મળી રહયો છ. કેટલાક વિદ્યાર્થીઓએ જાતે જ સ્કુલે જવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જયારે કેટલાક વિદ્યાર્થીઓને વાલીઓ પોતે સ્કુલે મુકવા જતા જાવા મળી રહયા છે.