શહેરમાં વહેપારીઓ ઉપર સતત બીજા દિવસે પણ દરોડાની કાર્યવાહી
લોકરોમાંથી મોટી રકમ તથા વાંધાજનક દસ્તાવેજા મળવાની શક્યતા |
(પ્રતિનિધિ) અમદાવાદ : દેશભરમાં મંદી અને નાણાંકિય કટોકટી વચ્ચે આયકર વિભાગ દ્વારા ગઈકાલ સવારથી જ અમદાવાદ શહેરમાં કાપડના વહેપારી ઉપરાંત જમીનોના દલાલ તથા ફાયનાન્સરોને ત્યાં સામુહિક દરોડા પાડતાં કરોડો રૂપિયાની કરચોરી બહાર આવી છે. આજે સતત બીજા દિવસે પણ સર્ચની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જપ્ત કરાયેલા લોકરો પણ ખોલવામાં આવનાર છે. આયકર વિભાગના દરોડાથી કરચોરી કરતા વહેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આયકર વિભાગ દ્વારા સર્ચની કામગીરી કરવામાં આવી ન હતી પરંતુ મોટા જમીનોના સોદા તથા અન્ય નાણાંકિય વ્યવહારો પર તેમની સતત નજર રહેતી હતી અને છેલ્લા ત્રણ મહિનાથી કરચોરી કરતા વહેપારીઓ પર બાજ નજર રાખવામાં આવી રહી હતી.
ગઈકાલે સવારથી જ અમદાવાદ શહેરના રાયપુર વિસ્તારમાં આવેલા સફલ સેન્ટર તથા સીંધુભવન રોડ સહિતના વિસ્તારોમાં સામુહિક દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કાપડના વહેપારી તથા જમીનોના દલાલ અને ફાયનાન્સરોને ત્યાં આ કામગીરી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન મોટી રકમ રોકડમાં જ મળી આવી હતી
આ ઉપરાંત સંખ્યાબંધ વાંધાજનક દસ્તાવેજા પણ મળી આવ્યા છે. જેની ચકાસણી શરૂ કરવામાં આવી છે. આયકર વિભાગના અધિકારીઓએ ગઈકાલ સવારથી જ શરૂ કરેલી દરોડાની કામગીરી બાદ બેનામી વ્યવહારોની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
આયકર વિભાગે લેન્ડ બ્રોકર સુરેશ ઠક્કરના ધંધા અને રહેઠાણના સ્થળો પર દરોડા પાડયા હતા. આ ઉપરાંત રાયપુર અને કાલુપુર અને કાંકરિયા વિસ્તારમાં કાપડના વહેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતાં.
ગઈકાલ સવારથી ૧૮થી વધુ ટીમોએ રામભાઈ ભરવાડ તથા તેમના પુત્ર ધીરેન ભરવાડ, મેવાડા ગ્રુપ, ધવલભાઈ તૈલી, પ્રેમ ભાટિયા, સહિતના વહેપારીઓને ત્યાં તથા ફાયનાન્સરોને ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. જમીનોના દલાલો દ્વારા કરવામાં આવેલા મોટા સોદાની વિગતો મળતાં જ આ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું અને પ્રાથમિક તપાસમાં જ કરોડોની કરચોરી બહાર આવી છે. આઈટી વિભાગ દ્વારા આજે સતત બીજા દિવસે પણ આ તમામ સ્થળો પર સર્ચની કામગીરી ચાલુ છે બીજીબાજુ બેંક લોકરો સીલ કરવામાં આવ્યા છે તેને પણ ટુંક સમયમાં જ ખોલવામાં આવશે અને તેમાંથી મોટી માત્રામાં કાળુ નાણું પકડાય તેવી શક્યતા છે.