Western Times News

Gujarati News

તૃષા બાદ મીરા સોલંકીની લાશ નર્મદાના તિલકવાડામાં મળી

વડોદરા, નર્મદા જિલ્લાના તિલકવાડા પાસે ખેતરમાંથી મળી આવેલી લાશના કેસનો ભેદ ઉકેલાયો છે. આ ઘટનામાં મૃતક છોકરી વડોદરાના માંજલપુર વિસ્તારની ધોરણ-૧૨ની વિદ્યાર્થિની હોવાનું ખુલ્યું છે. આ હત્યા કેસ પાછળ પ્રેમ પ્રકરણ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતક વિદ્યાર્થિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ વડોદરાની સયાજી હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

મૃતક વિદ્યાર્થિનીએ તેના પિતરાઈ ભાઈને મેસજ કરીને જણાવ્યું હતું કે, હું સદિપ સાથે છું, ચિંતા ના કરશો. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે પરત ફરીશ. છોકરીએ કરેલા મેસેજમાં તેણે જે સંદીપનું નામ લખ્યું છે તે કોણ છે તે અંગે હવે તપાસ શરુ કરવામાં આવી છે.

આ કેસમાં હત્યા કેસને ઉકેલવા માટે સાઈબર ટીમની પણ મદદ લેવામાં આવી શકે છે. વડોદરામાં બનેલા તૃષા સોલંકી મર્ડર કેસ પછી હવે મીરા સોલંકી મર્ડર કેસના લીધે વાલીઓમાં ડરનો માહોલ ઉભો થયો છે. ચિંતા ના કરશો, હું રવિવારે સાંજે ઘરે આવી જઈશ આવું કહ્યા બાદ છોકરીની લાશ મળી આવવાના કેસને લઈને ચકચાર મચી ગઈ છે.

વડોદરા સહિત રાજ્યમાં પાછલા કેટલાક સમયમાં પ્રેમ પ્રકરણમાં થતા હત્યાના બનાવોને કારણે આ કેસનો જલદી ઉકેલ આવે તે માટે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

શહેરના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસેના ખેતરમાં માતા-પિતા સાથે રહેતી મીરા નિલેશભાઈ સોલંકી પાછલા અઠવાડિયે ઘરેથી નીકળ્યા પછી તેનો મોડી રાત સુધી કોઈ પત્તો નહોતો લાગતો, જે બાદ તેના પિતા દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બીજી તરફ નર્મદા જિલ્લાની તિલકવાડા પોલીસને ખેતરમાંથી મળેલી લાશની ઓળખ માટે તપાસ હાથ ધરી હતી. સોશિયલ મીડિયા પર છોકરીના ફોટો ફરતા થતાં તે મીરાના માતા-પિતા અને કોંગ્રેસના નેતા અને પૂર્વ વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ચિરાગ ઝવેરી પાસે પહોંચ્યા હતા, આ પછી તેઓ લાશની ઓળખ માટે તિલકવાડા પહોંચ્યા હતા.

જેમાં આ લાશ વડોદરાથી ગુમે થયેલી મીરાની જ હોવાનું ખુલ્યું હતું. હવે મીરા વડોદરાથી નર્મદા જિલ્લાના તિલકવાડા કઈ રીતે પહોંચી તેની હત્યા પાછળ સંદીપ નામના વ્યક્તિનો હાથ છે તે અંગેના સવાલો ઉભા થઈ રહ્યા છે. પ્રાથમિક તપાસમાં મીરાની હત્યા ગળું દબાવીને અને ડામ આપીને કરાઈ હોવાનું ખુલ્યું છે.

જાેકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યાનું સાચું કારણ જાણી શકાશે અને તે આધારે પોલીસ દ્વારા આ કેસની તપાસ આગળ વધારવામાં આવશે.

ખેડૂત દીકરી મીરાની હત્યાથી અરેરાટી વ્યાપી ગઈ છે અને હત્યારાને જલદીમાં જલદી પકડવામાં આવે તેવી માંગ પરિવારજનો તથા સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. વડોદરામાં અગાઉ એક તરફી પ્રેમમાં તૃષા હત્યા કેસ બન્યો હતો જે ઘટના નવી છે ત્યારે વધુ એક ઘટનાએ સૌ કોઈને ચિંતત કર્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.