ભરૂચમાં BJP ની મહિલા કોર્પોરેટરના પતિની ગુંડાગીરી
શક્તિનાથ વિસ્તારમાં બે ઈસમોને ચપ્પુના ઘા ઝીંકતા હત્યાના પ્રયાસનો ગુનો દાખલ.
હુમલાખોર કર્તવ્ય રાણા ઉર્ફે મોન્ટુ અગાઉ દારૂના ગુનામાં વોન્ટેડ હતો.
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ નગરપાલિકાના ના વોર્ડ નંબર ૩ ની મહિલા નગર સેવિકા નો બુટલેગર પતિ કર્તવ્ય રાણા એ બે લોકો ઉપર ચપ્પુ વડે હુમલો કરતા એકની હાલત અત્યંત ગંભીર બનતા પોલીસે મહિલા કોર્પોરેટરના પતિ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.ભરૂચમાં વોર્ડ નંબર ૩ ની BJPની મહિલા સેવકના પતિએ અંગત અદાવતે બે યુવાનો ઉપર શક્તિનાથ વિસ્તારમાં ચપ્પુ વડે હુમલો કરતા બંને યુવાનો પૈકી પ્રિયાંક ઉર્ફે પ્રિન્સ મહંતની હાલત અત્યંત ગંભીર જણાતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો છે અને બનાવ સંદર્ભે પોલીસે કર્તવ્ય ઉર્ફે મોન્ટુ રાણા સામે હત્યાના પ્રયાસ કરવાનો ગુનો દાખલ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના લીંકરોડ ઉપર ઈંડાની લારી ઉપર વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ કરી હતી અને ઈંડાની લારી ઉપર થી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો અને તે દારૂનો જથ્થો ભાજપની મહિલા સેવિકા નો પતિ કર્તવ્ય ઉર્ફે મોન્ટુ રાણાનો હોવાનું સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.
ગત મોડી રાત્રીએ કર્તવ્ય ઉર્ફે મોન્ટુ રાણાએ પ્રિયાંક ઉર્ફે પ્રિન્સ સાથે કોઈ કારણોસર બોલાચાલી કરી તેના પેટમાં ચપ્પુ ઘુસાડી દેતા અને ચપ્પુ બહાર કાઢતા ચપ્પુ સાથે આતંરડા પણ બહાર આવી જતા તેને ગંભીર અવસ્થા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ચપ્પુ થી હુમલો કરનાર કર્તવ્ય ઉર્ફે મોન્ટુ રાણા ગંભીર રીતે ઘવાયેલા પ્રિયાંક ઉર્ફે પ્રિન્સ મહંત અને મેહુલ અંગત મિત્રો હતા અને કોઈ વાત નું સમાધાન માટે ભેગા થતા જ મિત્ર એ જ બે મિત્રને ચપ્પુ મારી દેતા મિત્ર જ મિત્રનો દુશમન બની ગયો હોય તેવો કિસ્સો સામે આવી ગયો છે.
મેહુલ ચૌહાણ કોઈ વાતનું સમાધાન માટે તેના મિત્ર પ્રિયાંક ઉર્ફે પ્રિન્સ સાથે શક્તિનાથ સર્કલ નજીકના મેડિકલ સામે ઉભેલા કર્તવ્ય ઉર્ફે મોન્ટુ રાણા પાસે સમાધાન માટે ગયા હતા તે દરમ્યાન અચાનક ઉશ્કેરાયેલા કર્તવ્ય ઉર્ફે મોન્ટુ રાણાએ મેહુલ ચૌહાણ ને પગની જાંઘમાં ચપ્પુ મારી દીધું જયારે તેના મિત્રને પેટના ભાગે ચપ્પુ મારી દેતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક માં નોંધાયેલ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે ફરિયાદી મેહુલ ચૌહાણના ઓએ આક્ષેપ કર્યા હતા કે કર્તવ્ય ઉર્ફે મોન્ટુ મારી પત્ની ને કસમયે અવારનવાર મેસેજ કરી હેરાન પરેશાન કરતો હોય જેથી તેને સમજાવવા માટે કહેવા બાબતની રિશ રાખી મેહુલ ચૌહાણ અને પ્રિયાંક ઉર્ફે પ્રિન્સ ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાના આક્ષેપ કર્યો છે.
ગત મોડી રાત્રીએ ફરિયાદીની પત્નીએ તેના પતિને કહ્યું કે પેલો કર્તવ્ય મને મેસેજ કર્યા કરે છે જેથી તમે સમજાવો કે મેસેજ ન કરે જેથી ફરિયાદી કર્તવ્ય ને મોબાઈલ થી ફોન કરીને કહેલ કે તું મારી પત્નીને મેસેજ ન કર તેમ કહેતા તે ફરિયાદી ઉપર ઉશ્કેરાય ગયો હતો અને હું મેસેજ કરીશ તું શું કરી લેવાનો છે તેમ કહી રૂબરૂ માં સમાધાન કરવા જતા ખૂની ખેલ ખેલાયો હતો.