Western Times News

Gujarati News

બોરિસ જોનસન 21મીએ અમદાવાદ આવશે

નવી દિલ્હી,  બ્રિટનના વડાપ્રધાન Boris Johnson તેમનો ભારત પ્રવાસ ગુજરાતથી શરૂ કરી રહ્યા છે. Boris Johnson ગુજરાત આવનારા પ્રથમ બ્રિટિશ પીએમ છે. તેઓ એક અગ્રણી ઉદ્યોગપતિ સાથે બેઠક કરશે, ભારત અને બ્રિટન વચ્ચે વાણિજ્યિક સહકાર વધારવા માટે ચર્ચા કરશે. 21 એપ્રિલે તેઓ સવારે આઠ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને રાત્રે સાડાનવ વાગ્યે તેઓ દિલ્હી રવાના થઈ જશે.

આ સાડાતેર કલાકની મુલાકાતમાં તેઓ માત્ર એક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળશે. બાદમાં હાલોલ ખાતેના જેસીબી પ્લાન્ટની મુલાકાત લેશે.અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોરિસ જોનસનનું સ્વાગત કરશે. તેઓ સૌપ્રથમ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. બાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા માટે અદાણી ટાઉનશિપ જશે.

ત્યાર બાદ તેઓ વડોદરામા હાલોલ ખાતેના JCB પ્લાન્ટની મુલાકાત લેશે. બોરિસ જોનસનની મુલાકાતના સમગ્ર કાર્યક્રમનું ટાઈમ શેડ્યૂલ્ડ જાહેર કરવામાં આવ્યું નથી. સૂત્રોએ જણાવ્યું છે કે ગુજરાતમાં બિઝનેસ ડેલિગેશન સાથે તેમની કોઈ મુલાકાત ગોઠવાઈ નથી. તેઓ વડાપ્રધાન મોદીને 22 એપ્રિલે દિલ્હીમાં જ મળવાના છે. તેમની ગુજરાતમાં માત્ર ગૌતમ અદાણી સાથે જ મુલાકાત ગોઠવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

બ્રિટન ભારતની સાથે વાર્ષિક વેપારને 2.89 લાખ કરોડ સુધી લઇ જવા માટે ઇચ્છુક છે. જોનસનનો ભારત પ્રવાસ 2020થી ટળતો આવ્યો છે. 2021માં તેમણે પીએમ મોદી સાથે વર્ચ્યુઅલ શિખર બેઠક કરી હતી.

એમાં 2030 સુધી માટે વ્યૂહાત્મક અને વ્યાપાર સહયોગનો રોડમેપ તૈયાર કરાયો હતો. ભારત બ્રિટનમાં 5300 કરોડ રૂપિયાની રોકાણ સમજૂતી પર સહમતી સાધી ચૂક્યું છે,. હવે 2035 સુધીના એજન્ડામાં પણ સામેલ કરાશે.

બ્રિટન યુરોપીય સંઘથી જોડાણ તોડી ચૂક્યું છે. હવે ભારત સાથે વેપારથી જોનસન પોતાના દેશમાં મોંઘવારી ઓછી કરવા માટે ઉપભોક્તા વસ્તુઓના ક્ષેત્રમાં સહયોગની આશા લઇને આવી રહ્યા છે.

ગ્રીન ટેક્નોલોજી અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતી નોકરીઓના અવસરોનું સર્જન કરવા માટે પણ બંને દેશો આતુર છે, સાથે જ બ્રિટનમાં 53 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થી છે. બ્રિટનની સાથે નોલેજ શેરિંગ પાર્ટનરશિપ આ પ્રવાસનો મહત્ત્વનો એજન્ડા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.