ચીનના શાંઘાઈમાં કોરોનાને કારણે વધુ 7ના મોત
નવી દિલ્હી, ચીનમાં કોરોના વયરસે હાહાકાર મચાવ્યો છે. ચીનના શાંઘાઈ શહેરમાં કોવિડના કારણે વધુ 7 લોકોના મોત થઈ ગયા છે. કોવિડની આ નવી લહેરમાં અત્યાર સુધીમાં 10 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.
શાંઘાઈમાં છેલ્લા સપ્તાહની તુલનામાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો હોવા છતા પણ શહેરમાં કુલ નવા કેસોની સંખ્યા વધારે છે. શાંઘાઈ હેલ્થ ઓથોરિટીના અધિકારી વુ કિયાન્યુએ અહેવાલ આપ્યો છે કે, 3,084 સ્થાનિક કેસ અને 17,332 સ્થાનિક એસિમ્પટમેટિક સંક્રમણના કેસ નોંધાયા છે.
અધિકારીએ જણાવ્યું કે, 26 ફેબ્રુઆરીથી 18 એપ્રિલ સુધી શહેરમાં 27,613 સ્થાનિક પુષ્ટિ થયેલા કેસ નોંધાયા છે અને 21,717 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જેમાંથી 21ની હાલત ગંભીર છે.
ચીનના સ્વાસ્થ્ય મંત્રી મા શિયાઓવેઈએ જણાવ્યું છે કે, દેશ કોવિડ-19ને લઈને પોતાની ઝીરો કોવિડ પોલીસી ચાલુ રાખશે. જો ચીનના નિયંત્રણમાં ઢીલ મૂકવામાં આવશે તો મોટી સંખ્યામાં વૃદ્ધો અને બાળકોને ખતરો થશે. જે અર્થવ્યવસ્થા અને સમાજના સ્થિર વિકાસને ગંભીર રૂપે અસર કરશે.
ચીનના ફાઈનાન્સિયલ હબ શાંઘાઈમાં કોવિડને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. વહીવટીતંત્રે ખૂબ જ કડક લોકડાઉન લાદી દીધું છે જેના કારણે સપ્લાયની સમસ્યાની સાથે વ્યવસાયને પણ ખરાબ અસર થઈ રહી છે. વહીવટીતંત્રે કોવિડથી સંક્રમિત લોકોને ક્વોરેન્ટાઈનમાં મૂક્યા છે અને ન્યુક્લીક એસિડ દ્વારા પરીક્ષણ કરી રહ્યા છે.