લારીવાળા, રેંકડીમાં ઈંડા વેચનાર અને ઝાડુ મારનારા લોકો શેલ કંપનીમાં CEO
શેલ કંપનીઓમાં ઝૂંપડામાં રહેનારાઓને ટોચના હોદ્દા અપાય છે
દેશમાં મની લોન્ડરિંગ રોકવાનું કામ વધુ મુશ્કેલ બન્યું -મની લોન્ડરિંગ માટે અત્યંત સાધારણ માણસોના નામ અને ઓળખનો ઉપયોગ કરીને સોદા પાર પાડવામાં આવે છે
નવી દિલ્હી, દેશમાં મની લોન્ડરિંગ રોકવાનું કામ સરકારી એજન્સીઓ માટે વધુને વધુ મુશ્કેલ બનતું જાય છે. ભેજાબાજ લોકો મની લોન્ડરિંગ માટે સતત નવા રસ્તા શોધતા રહે છે જેમાંથી કેટલાક ઉપાય તો ખરેખર આશ્ચર્યમાં મુકી દે તેવા હોય છે. વડોદરામાં રહેતા રાજુભાઈ (નામ બદલ્યું છે) વર્ષોથી સ્વીપર તરીકે કામ કરે છે અને બહુ સાધારણ ઘરમાં રહે છે.
થોડા દિવસો પહેલાં તપાસકર્તા એજન્સીઓના માણસો તેમના ઘરે આવ્યા અને પૂછપરછ કરી ત્યારે તેમને ખબર પડી કે કોઈએ તેમને કોઈ ખાનગી કંપનીના MD બનાવી દીધા છે અને તેમના નામે તગડો પગાર પણ અપાય છે. સરકારી અધિકારીઓને પણ કોઈ કંપનીના MD ઝૂંપડા જેવા ઘરમાં રહેતા હોય તે જાેઈને આશ્ચર્ય થયું હતું.
આ કેસની તપાસ કરતા એસીપી (સાઈબર ક્રાઈમ) હાર્દિક માકડિયાએ કહ્યું કે અમને ત્યારે ખબર પડી કે કેટલીક ગેંગ આવું વ્યાપક નેટવર્ક ચલાવે છે અને મની લોન્ડરિંગ માટે અત્યંત સાધારણ માણસોના નામ અને ઓળખનો ઉપયોગ કરીને સોદા પાર પાડે છે.
વડોદરામાં તાજેતરમાં લોકોને જંગી વળતર આપવાનું વચન આપીને રૂપિયા પડાવનાર કંપની (શેલ કંપની) છુમંતર થઈ ગઈ હતી. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે કંપનીમાં MD અને CEOના પદે એવી વ્યક્તિઓના નામ હતા જેમને હકીકતમાં આવી કોઈ વાતની ખબર પણ ન હતી અને બહુ સાધારણ જીવન જીવતા હતા.
માકડિયાએ જણાવ્યું કે, અમે આ કંપનીઓના સિનિયર મેનેજમેન્ટના સંપર્કની વિગત મેળવી હતી. જુદી જુદી કંપનીઓના આવા બે ડઝન જેટલા CEOની વિગત મેળવાઈ હતી. તપાસકર્તા એજન્સીઓ જ્યારે આ CEOના ઘરે પહોંચી ત્યારે ખબર પડી કે જે તે વ્યક્તિને પોતાના નામનો ઉપયોગ થયા વિશે ખબર પણ ન હતી.
આ કંપનીઓના સીઈઓ તરીકે જેમના નામ અને સરનામા અપાયા હતા તેઓ રસ્તા પર લારી ચલાવતા હતા, રેંકડીમાં ઈંડા વેચતા હતા અથવા રસ્તા પર ઝાડુ મારતા હતા. આ લોકોને ખબર પણ ન હતી કે તેમના નામે બેન્ક ખાતા ખોલાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી.
અધિકારીઓએ કહ્યું કે આવા કૌભાંડ કરતા લોકો સૌથી પહેલા સાવ ગરીબ અને સાધારણ લોકોના ડોક્યુમેન્ટ મેળવે છે, ત્યાર પછી તેમના નામે પ્રાઈવેટ કંપનીઓ બનાવે છે. તેઓ જાણે છે કે આ લોકોને સરળતાથી પરેશાન કરી શકાય છે અને તેઓ વળતી કાર્યવાહી પણ કરી શકતા નથી.
એક વખત આ લોકોના નામે બનાવટી કંપનીઓ બની જાય ત્યાર પછી બેન્ક ખાતા ખોલાવીને મની લોન્ડરિંગ કરવામાં આવે છે. મની લોન્ડરિંગ માટે આવા ડઝનબંધ ખાતા ખોલવામાં આવ્યા છે અને પછી ક્રિપ્ટોકરન્સી દ્વારા તેમાં રહેલા નાણાં ચીન ટ્રાન્સફર કરવામાં આવે છે.