પાકિસ્તાનમાં અંધારપટ : વિદેશમાંથી કોલસો ખરીદવાના પૈસા ખતમ

ઈસ્લામાબાદ, શ્રીલંકાની જેમ પાકિસ્તાનમાં પણ વીજળીનું સંકટ ઘેરૂં બની રહ્યું છે. પાકિસ્તાનમાં ઘરો અને કારખાનાઓને આપવામાં આવતી વીજળી પર કાપ મૂકવામાં આવી રહ્યો છે. તેનું કારણ એ છે કે, શ્રીલંકાની જેમ પાકિસ્તાન પણ વિદેશી ચલણની અછતથી ઝઝૂમી રહ્યું છે.
આ અછતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, પાકિસ્તાન અન્ય દેશો પાસેથી કોલસો કે, કુદરતી ગેસ ખરીદવાની સ્થિતિમાં નથી જેના કારણે પાવર પ્લાન્ટની કામગીરી પ્રભાવિત થઈ રહી છે.રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે પુરવઠામાં વિક્ષેપને કારણે લિક્વિફાઈડ નેચરલ ગેસ અને કોલસાના ભાવ ગયા છેલ્લા મહિનાથી રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા.
અહેવાલ પ્રમાણે કિંમતોમાં આ વધારાને કારણે દક્ષિણ એશિયાઈ દેશને સ્પોટ માર્કેટથી ઈંધણ ખરીદવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પાકિસ્તાનના નવનિયુક્ત નાણાપ્રધાન મિફતાહ ઈસ્માઈલની ટ્વિટર પોસ્ટ અનુસાર દેશમાં ઈંધણની અછતને કારણે 13 એપ્રિલ સુધી 3,500 મેગાવોટ વિજળી પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા હતા.તેમણે કહ્યું હતું કે, ટેકનિકલ ખામીઓને કારણે સમાન ક્ષમતાના પ્લાન્ટ ઓફલાઈન છે. કરાચીમાં આરિફ હબીબ લિમિટેડના સંશોધનના વડા તાહિર અબ્બાસના જણાવ્યા પ્રમાણે 7,000 મેગાવોટ દેશની કુલ વીજ ઉત્પાદન ક્ષમતાના લગભગ 25 ટકા છે.