જહાંગીરપુરી હિંસા : સોનુ, અંસાર સહિત પાંચ સામે એનએસએ લાગુ

નવી દિલ્હી, દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવના દિવસે થયેલી હિંસામાં સંડોવાયેલા પાંચ આરોપીઓ સામે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (એનએસએ) હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. આ આરોપીઓમાં મુખ્ય આરોપી અંસાર, સલીમ, સોનુ શેખ, દિલશાદી અને અહીદનો સમાવેશ થાય છે.
ગૃહમંત્રાલયે જહાંગીરપુરીમાં થયેલી હિંસા મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરી છે તો બીજીબાજુ ક્રાઈમ બ્રાન્ચ પણ સક્રિય થઈ ગઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૨૫ લોકોની ધરપકડ કરાઈ છે અને ક્રાઈમ બ્રાન્ચની ૧૪ ટીમો તપાસ કરી રહી છે.
જહાંગીરપુરીમાં હિંસા થઈ ત્યાં અને આજુબાજુ લાગેલા સીસીટીવી કેમેરાથી અંદાજે ૨૦૦ વીડિયો ફૂટેજ એકત્ર કરાયા છે. તેના આધારે આરોપીઓની ઓળખ કરાઈ રહી છે. દિલ્હી પોલીસે મંગળવારે સાંજે વધુ એક આરોપી ગુલામ રસૂલ ઉર્ફ ગુલ્લીની ધરપકડ કરી છે. જોકે, મંગળવારે જહાંગીરપુરીમાં સ્થિતિ સામાન્ય બની હતી અને એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણ રહ્યું હતું.