કોરોના ઓમિક્રોનના 9 સબ વેરિયન્ટ્સે દિલ્હીમાં મચાવ્યો હાહાકાર: જીનોમ સિક્વન્સિંગમાં ખુલાસો

નવી દિલ્હી, દિલ્હીમાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે કે, દિલ્હીમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસ પાછળ ઓમિક્રોનનું સબ વેરિયન્ટ્સ મુખ્ય કારણ છે.
હકિકતમાં સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે, દિલ્હીમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસ પાછળ ઓમિક્રોનના 9 સબ-વેરિઅન્ટ્સ જવાબદાર છે. દિલ્હીમાં જીનોમ સિક્વન્સિંગમાં ઓમિક્રોનના BA.2.12.1 સહિત 9 વેરિયન્ટ્ની પૃષ્ટિ કરવામાં આવી છે.
દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં કોરોનાના 1,009 કેસ નોંધાયા છે. કોરોનાથી એક વ્યક્તિનું મોત પણ થયું છે. દિલ્હીમાં મંગળવારે કોરોનાના 601 કેસ નોંધાયા હતા.
છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં કોરોનાના કેસ તેજ ઝડપે વધી રહ્યા છે. દિલ્હીમાં સંક્રમણનો દર 5.70% પર પહોંચી ગયો છે. 314 લોકોએ કોરોનાને માત આપી છે. હવે ચિંતાની વાત એ છે કે, 10 ફેબ્રુઆરી બાદ રાજધાનીમાં ફરી એકવાર કેસ હજારના આંકડાને વટાવી ગયા છે.
દિલ્હીમાં 10 ફેબ્રુઆરીએ કોરોનાના 1104 કેસ નોંધાયા હતા. હવે કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે પરંતુ દિલ્હીમાં હજુ સુધી ટેસ્ટિંગમાં વધારો થયો નથી. બુધવારે રાજધાનીમાં કુલ 17701 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અહીં પણ RTPCRની સંખ્યા માત્ર 9581 હતી. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં ટેસ્ટિંગ વધારવા પર પણ ભાર આપવામાં આવશે.
સ્થાનિક આરોગ્ય અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, દિલ્હીમાં 10 એપ્રિલથી 18 એપ્રિલની વચ્ચે એટલે કે એક સપ્તાહમાં પોઝિટિવિટી રેટ 6 ગણો વધ્યો છે. દિલ્હીમાં 10 એપ્રિલે પોઝિટિવિટી રેટ 1.29% હતો. ત્યારબાદ એક દિવસમાં 141 કેસ નોંધાયા હતા. સોમવારે તે વધીને 7.72% થયો હતો.