Western Times News

Gujarati News

ક્લાર્કની પરીક્ષામાં ઈલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ

અમદાવાદ, ફેબ્રુઆરી બાદથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મુલતવી રાખવામાં આવેલી બિનસચિવાલય ક્લાર્ક અને આફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આખરે ૨૪ એપ્રિલે યોજાવાની છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે મંડળ દ્વારા સાવચેતીના ભાગરૂપે કેટલીક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

સરકારી નોકરી મેળવવાની લાલચમાં આવીને કેટલાક ઉમેદવારો લેભાગુ તત્વોની જાળમાં ફસાઈને લાખો રૂપિયા ગુમાવી દેતા હોય છે. ત્યારે આવા લોકો જાે નોકરીની ખોટી લાલચ આપે કે પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કરે તો તરત જ મંડળને આ વિશે જાણ કરવાની તેમજ પોલીસ સમક્ષ ફરિયાદ કરવા અંગે પણ મંડળે ઉમેદવારોને સૂચન આપ્યું છે.

ફેબ્રુઆરી ૨૦૨૨માં બિનસચિવાલય ક્લાર્કનું પેપર લીક થતાં તે સમયે મંડળના ચેરમેન અસિત વોરાએ રાજીનામું આપતા પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. ઓક્ટોબર, ૨૦૧૮માં પહેલીવાર ભરતીની જાહેરાત કરાઈ હતી અને ૨૦૧૯માં શૈક્ષણિક લાયકાતના મુદ્દે આંદોલનના કારણે પણ સ્થગિત રાખવામાં આવી હતી. છેલ્લી પરીક્ષામાં ૩,૯૦૧ પોસ્ટ માટે ૧૦.૪૫ લાખ ઉમેદવારો હતા.

મંડળના નવા ચેરમેન એ.કે. રાકેશ દ્વારા અગાઉ નવી એસઓપી અને ચુસ્ત વ્યવસ્થા હેઠળ ૨૪ એપ્રિલે પરીક્ષા લેવાશે તેવું જાહેર કર્યું હતું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારોને પરીક્ષાાને લગતી બાબત માટે મદદ મળે તે માટે ટોલ ફ્રી હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે.

જેનો નંબર ૧૮૦૦ ૧૨૦ ૩૦૪૭ છે. જે ૨૪ એપ્રિલે સવારે ૧૧ વાગ્યા સુધી કાર્યરત રહેશે. મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પરીક્ષા કેન્દ્રમાં સીધી કે આડકતરી રીતે કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં. મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લૂ ટૂથ જેવા ઈલેક્ટ્રોનિક ગેજેટ પણ લઈ જવા દેવામાં આવશે નહીં. બંધ હાલતમાં પણ ગેજેટ સાથે હોલમાં ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે નહીં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.