Western Times News

Gujarati News

રેલવે ટ્રેક પર કોપરના વાયરોની ચોરી કરનાર બે શખ્સ પકડાયા

નડિયાદ,નડિયાદ-મોડાસા રેલવે લાઈન ઈલેક્ટ્રીક થઈ રહી છે. ત્યારે આ ટ્રેક પર ઈલેક્ટ્રીક લાઇન નાખવાની કામગીરી પુરજોશમાં ચાલી છે આ વચ્ચે અહિયા અવારનવાર કોપરના વાયરોની ચોરી થતાં ચકચાર મચી છે. ગતરોજ વીણા નજીકના રેલ્વે લાઈન પાસેથી કોપરની ચોરી કરવા આવેલા ઉમરેઠના વણસોલના બે શખ્સોને ઝડપી લેવાયા છે અને નડિયાદ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ નડિયાદ મોડાસા રેલવે લાઇન પર હાલ ઈલેક્ટ્રીક લાઈનના થાંભલા ઉભા કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી નડીયાદથી શરૂ થઈ કઠલાલ સુધી પહોંચ્યું છે. અહીયા KEC ઈન્ટરનેશનલ કંપનીને કોપરના વાયરો નાખવાના કોન્ટ્રાક્ટ મળેલ છે. વર્ષ 2021ના ઓક્ટોબર માસથી ઉપરોક્ત કામ શરૂ થયું હતું. અને હાલ કપડવંજ તરફ કામ ચાલી રહ્યું છે. નડીયાદથી કઠલાલ વચ્ચે આ કામ પૂર્ણ થયેલ છે. અહીંયા નડીયાદ થી કઠલાલ વચ્ચે નાખેલા કોપરના વાયરોની છાશવારે ચોરી થતી હોવાથી આ.મેનેજરે નડિયાદ RPF તથા પોતાની કંપનીને આ સંદર્ભે જાણ કરી હતી.

જેથી કંપનીએ BSS સિક્યુરિટી સર્વિસ રાજસ્થાનને કોન્ટ્રાક્ટ આપી અહીંયા રાત્રી દરમિયાન કોપર વાયરોની ચોરી ન થાય તે માટે સિક્યુરિટીના માણસો તેમજ RPFના માણસો રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરે છે. ગત 22મી એપ્રિલના રોજ વહેલી સવારે વીણા રેલવે ફાટક નંબર 14 પાસે નાખેલ રેલવે લાઇન ઉપરથી કોપરના વાયરની ચોરી કરતા બે ઈસમોને આરપીએફ પીઆઈ ચોધરી અને સ્ટાફે  રંગે હાથે પકડી પાડયા હતા.

જેઓનું નામ પુછતા ભરત નટુભાઈ રાઉલજી અને હિતેશ ફુલસિહ રાઉલજી (બન્ને રહે.વણસોલ, તા.ઉમરેઠ, જિ.આણંદ) હોવાનું જણાવ્યું હતું વધુમાં પોલીસે તથા સિક્યુરિટીના માણસો એ આ બંને ઈસમો પાસેથી બે મોટરસાયકલ નંબર (GJ 23 DL 2499, GJ 06 DN 7986) તથા કોપર વાળા ભુતડા જેની લંબાઈ આશરે 50 મીટર કિંમત રૂપિયા 13 હજાર 400 કબજે લઇ નડિયાદ ગ્રામ્ય પોલીસને સોપેલા છે.  આ બનાવ સંદર્ભે ઉપરોક્ત કંપનીના આસિસ્ટન્ટ મેનેજર કરણદિપસિંહ જીતેન્દ્રસિંહ કોહલીએ નડિયાદ રૂરલ પોલીસ મથકે ઉપરોક્ત બંને ચોરી કરવા આવેલા ઈસમો સામે ફરિયાદ  નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.