ઉત્તરપ્રદેશઃ પ્રયાગરાજમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા
નવી દિલ્હી, પ્રયાગરાજમાંથી હૃદય કંપાવી દેતી ઘટના સામે આવી છે. થરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ખેવરાજપુર ગામમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા કરી દેવામાં આવી છે.
એટલું જ નહીં આ ઘટના બાદ આરોપીઓએ ઘરમાં આગ પણ લગાવી દીધી હતી. આ ઘટનાથી તે વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ સભ્યોની ઈંટો અને પથ્થરોથી હુમલો કરી પરિવારના લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી છે.
પોલીસને આ ઘટનાની જાણકારી પ્રદીપ કુમાર યાદવે આપી હતી. પ્રદીપે પોલીસને જણાવ્યું કે, તેમના ભાઈ અને ભાભીની કોઈકે હત્યા કરી નાખી છે. તેની સાથે જ પરિવારના અન્ય 3 લોકોની પણ હત્યા કરી દેવામાં આવી છે. સામૂહિક હત્યાની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
બીજી તરફ ADG પ્રયાગરાજ જોન પ્રેમ પ્રકાશે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ પરથી લાગી રહ્યું છે કે, લૂટના ઈરાદાથી આવેલા બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. એવી શંકા છે કે, તેઓએ પુરાવાનો નાશ કરવા માટે ઘરમાં આગ લગાવી દીધી હતી.
જોકે, તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સ્થળ પર ઘટના પર ફોરેન્સિક અને ડોગ સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી છે.