Western Times News

Gujarati News

ઉદ્યોગો માટે જમીન સંપાદન બાદ ગૌચર અને રોજગારીના વાયદા પૂર્ણ ન થતા ગ્રામજનો રસ્તા ઉપર ઉતર્યા.

સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન ખેંચવા ભરૂચ – દહેજ જીઆઈડીસી સાથે જોડતી સુવા ચોકડી નજીક ગ્રામજનો રોડ ઉપર ઉતરી આવી ચક્કાજામ કરતા પોલીસ દોડી.

(વિરલ રાણા) ભરૂચ,
વિવિધ માંગણીઓને લઈ સમાધાન ન મળતા ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના સુવા ગામના લોકો સોમવારની સવારે દહેજ જીઆઈડીસીને જોડતા માર્ગ ઉપર બેસી ગયા હતા અને વાહન વ્યવહાર ઠપ્પ કરી દીધો હતો.સ્થાનિકોનું કહેવું છે કે તેમને ગુમાવેલી જમીન સામે માત્ર વાયદા મળ્યા છે.સ્થાનિકો ગૌચરની જમીન અને રોજગારીના મુદ્દે ઘણાં સમયથી રજુઆત કરી રહ્યા છે પણ સમસ્યાનું હલ ન મળતા આખરે આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.

ગ્રામજનોનો મિજાજ પારખી સરકારી બાબુઓએ તાત્કાલિક દહેજ તરફ વાટ પકડી હતી.સુવા ગામના લોકો માટે આંદોલનની આગેવાની કરનાર રાજેશભાઈ ગોહિલના જણાવ્યા અનુસાર દહેજ ઔદ્યોગિક વસાહતના નિર્માણ અને વિકાસ માટે સુવા ગામની ખુબ મોટી જમીન સંપાદિત કરવામાં આવી છે.સ્થાનિકોએ ઉદ્યોગોને આવકાર આપવા જમીન આપી તો સામે તેઓ બેરોજગાર ન બને તે માટે જમીનની કિંમત ઉપરાંત રોજગારીના વાયદા થયા હતા.

પરંતુ વર્ષો સુધી નોકરી માટે આશા રાખી બેઠેલા સ્થાનિકોને રોજગારી આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા ધીરજ ગુમાવી બેઠેલા સ્થાનિકો આજે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.સ્થાનિકો અનુસાર પાંચ જેટલી કંપનીઓએ રોજગારી માટે વાયદા કર્યા બાદ નોકરી આપી નથી.
વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા લોકોએ જણાવ્યું હતું કે દહેજ GIDCના નિર્માણ માટે સ્થાનિક વિસ્તારની જમીન સંપાદન કરવામાં આવી હતી.ગ્રામજનો અનુસાર ૨૦૦ એકર જમીન ગૌચર માટે આપવાનો વાયદો કરાયો હતો.જે બાદમાં ૪૫ એકર સુધી ઘટાડો કરવામાં આવ્યો હતો.

પરંતુ હજુ સુધી આ જમીન અપાઈ નથી.ગામમાં ૫૦૦ થી વધુ પશુઓ છે જેમના માટે ચારા સહિતની સમસ્યાઓ ઉભી થઈ રહી છે જેનો ગ્રામજનો હલ માંગી રહ્યા છે.સુવા ગામના લોકો આજે સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન ખેંચવા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.ભરૂચને દહેજ જીઆઈડીસી સાથે જોડતી સુવા ચોકડી નજીક ગ્રામજનો રોડ ઉપર ઉતરી આવ્યા હતા.રસ્તા ઉપર બેસી જઈ ગ્રામજનોએ ચક્કાજામ કર્યા હતા.જીઆઈડીસી અને આસપાસની કંપનીઓ તરફથી ગૌચર અને રોજગારીની સમસ્યા હલ ન કરે ત્યાં સુધી ઉભા નહિ થવાની હાથ પકડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.