ખોખરામાંથી પિતા-પુત્ર પાસેથી ૧૮ કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો
એસઓજીની કાર્યવાહી |
રીક્ષાની આડમાં શખ્સ ગાંજાનો ધંધો કરતો હતોઃઅન્ય કેટલાંક નામ પણ ખુલ્યા |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : કેટલાંક સમયથી ગુજરાતના વિવિધ શહેરોમાંથી પોલીસની અલગ અલગ એજન્સીઓ દ્વારા નશીલા દ્રવ્યોના મોટા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અને નશીલા દ્રવ્યોના વેપારમાં જાડાયેલા કેટલાંય શખ્સોને ઝડપીને કાર્યવાહી કરવામાં આવી છે તેમ છતાં આવા દ્રવ્યોની હેરાફેરી ઘટવાને બદલે સતત વધી રહી છે. ખાસ કરીને રાજ્યની આર્થિક પાટનગર એવા અમદાવાદ શહેરમાં યુવાનોને નશાના રવાડે ચડાવવા માટે મોટો જથ્થો મોકલવામાં આવે છે.
નશીલા દ્રવ્યોમાં સૌથી વધુ માંગ યુવાનોમાં ગાંજાની રહેતી હોઈ શહેરના વિવિધ વિસ્તારોમાં નશાના વેપારીઓ ફેલાઈ ગયા છે. તાજેતરમાં જ પોલીસે કાર્યવાહી કરીને ૧૮ કિલો ગાંજાનો જથ્થો ઝડપી લીધો છે. ઉપરાંત કેટલાંક ઈસમોની ધરપકડ પણ કરી છે. શહેર એસઓજીના પીએસ આઈ ડી આઈ સોલંકી પોતાની ટીમ સાથે બુધવારે પેટ્રોલીંગમાં હતા એ સમયે ફરતા ફરતાં મણીનગર એલ જી હોસ્પીટલમાં પહોંચ્યા હતા.
એક બાતમીદારે કેટલાંક શખ્સો ગાંજાની મોટા જથ્થાની ડીલીવરી કરવા જતા હોવાની માહિતી આપી હતી. જેના કારણે સતર્ક પીએસઆઈ સોલંકીએ ત્વરીત નિર્ણય લઈને ટીમ સાથે ખોખરા અનુપમ સિનેમા પાસે આવેલી હબીબુલ્લા મનસુરીની ચલા ખાતે પહોંચ્યા હતા.
જ્યાં અગાઉથી જ બાતમી મુજબના શખ્સને શોધતાં તેના ઘરે પહોંચતા જ રીક્ષા ડ્રાઈવરની આડમાં ગાંજાનો ધંધો કરતો હીરાલાલ કોષ્ટી (પ૭) અને તેનો પુત્ર સુનિલ કોષ્ટી બંન્ને હાથમાં મોટા થેલા સાથે દેખાયા હતા. જેથી એસઓજીની ટીમે અચાનક જ દરોડો પાડી બંન્નેને કોર્ડન કરી લીધા હતા.
ઉપરાંત બંન્નેને ઝડપીને થેલા સાથે મણીનગર એલ જી ચોકી ખાતે લઈ જવાયા હતા. જ્યાં થેલા ખોલીને તપાસ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. બંન્ને પિતા-પુત્રની સઘન પૂછપરછ કરતા આ ગાંજાના પાર્સલો ખોખરા, સલાટવાડ ખાતે રહેતી મદીના શેખ નામની મહિલાએ પોતાના પુત્ર અજુ મારફતે સુરખ ખાતેથી ખરીદ્યા હતા. જે હિરાલાલ તથા સુનિલ કોષ્ટીએ પોતાના ઘરમાં મુકીને તેનું વેચાણ કરતો હોવાનું કબુલ્યુ છે.
આ માહિતીને આધારે એસઓજીએ મદિના શેખ અને તેના પુત્ર અજુ ઉપરાંત અન્ય કેટલાંક શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગાંજાનું વેચાણ મોટાભાગે સુરત ખાતેથી અન્ય શહેરોમાં થતું હોય છે. જા કે સુરત સિવાય રાજસ્થાન તથા મધ્યપ્રદેશ ખાતેથી પણ નશીલા દ્રવ્યો ઘુસાડવામાં આવતા હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ.