Western Times News

Gujarati News

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસે સીમચોરીના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી લીધા.

ઝડપાયેલ ઈસમો ઉમલ્લા તેમજ આમલેથા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું.

(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી જીલ્લામાં વણશોધાયેલ વિવિધ ગુનાઓ શોધી કાઢવા જીલ્લાના વિવિધ પોલીસ મથકોને સુચના આપવામાં આવી છે.તે અંતર્ગત ઉમલ્લા પીએસઆઈ વી.આર.ઠુમ્મરે પોલીસ ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી હાથધરી હતી.દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે ઉમલ્લા પોલીસ મથકમાં નોંધાયેલ બે ગુના સંબંધી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મહુવાડા ગામના બે ઈસમોએ ચોરી કરીને પોતાના ઘરના વાડાના ભાગે સંતાડી રાખેલ છે.

પોલીસે બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા બન્ને ઈસમો ઘરે હાજર મળી આવ્યા હતા.પોલીસને તપાસ દરમ્યાન ઘરના પાછળના ભાગે ત્રણ મીણીયા થેલા મળી આવ્યા હતા.આ થેલાઓમાં ઈલેક્ટ્રિક વાયરો,ડ્રિપ ઈરીગેશન સિસ્ટમના પીવીસી ફિલ્ટરો તથા વાયરોને સળગાવીને કાઢેલ કોપર તારનું ગુંચળુ મળી આવ્યા હતા. આ ઈસમોની પુછપરછ દરમ્યાન સદર મુદ્દામાલ બન્નએ ભેગા મળીને મોટાવાસણા ગામની સીમમાંથી ચોરેલ હોવાનું જણાવ્યું હતું.

તેમજ અશા ગામની સીમ માંથી પાણીની મોટરના કેબલ વાયરો કાપી લાવીને વેચાણ કરવાના ઈરાદે સંતાડી રાખીને થોડાથોડા દિવસે કેબલ વાયરોને સળગાવીને કોપર એલ્યુમિનિયમના તાર કાઢી લઈને ઉમલ્લા ખાતે રહેતા રાજા સોલંકી નામના ઈસમને વેચાણ કરતા હતા.પોલીસે દિલીપભાઈ ઉર્ફે લાલો લક્કડિયાભાઈ વસાવા તેમજ સુરેશભાઈ ઉર્ફે બજરંગી અંબાલાલભાઈ વસાવા બન્ને રહે.ગામ મહુવાડા તા.ઝઘડીયાનાને હસ્તગત કરીને આ ગુનામાં સંડોવાયેલ મનાતા ઉમલ્લાના રાજા સોલંકી નામના ઈસમને ઝડપી લેવા કવાયત હાથધરી હતી.

ઝડપાયેલ ઈસમોએ ઉમલ્લા તેમજ નર્મદા જીલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં સંડોવાયેલ હોવાની કબુલાત કરી હતી.
 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.