ભારતમાંથી ઘઉંની નિકાસ વધીઃ રશિયા યુક્રેન યુદ્ધ મુખ્ય કારણ
(એજન્સી) કચ્છ, રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે ભારતમાંથી ઘઉંની નિકાસ વધી છે. એક વર્ષમાં દિનદયાળ પોર્ટ પરથી ઘઉંની નિકાસ થાય છે, તેટલી નિકાસ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં થાય તેવો અંદાજ છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે વિદેશમાં ઘઉંની માંગ વધી છે.
જેથી કંડલા સ્થિત દિનદયાળ પોર્ટ પરથી રોજના ત્રણથી વધુ શિપ ઘઉં વિદેશમાં નિકાસ થઈ રહ્યા છે. દિનદયાલ પોર્ટ અને નજીકના ગોડાઉનમાં ઘઉંના ઢગલા ખડકાયા છે, તો દેશના વિવિધ રાજ્યોમાં ઘઉં ભરીને આવતા ટ્રક અને ટ્રેલરો પણ કતારબંધ જાેવા મળે છે.
આ અંગે ઘઉંની વધી રહેલી નિકાસ અંગે પોર્ટ પર હેન્ડલીંગની કામગીરી કરતી કંપનીના સંચાલક પરમતપભાઈ વૈધએ વર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે નિકાસ વધી છે તેમ જણાવ્યું. દિનદયાલ પોર્ટ પરથી ઘઉંની એક્સપોર્ટની કામગીરી મોટા પ્રમાણમાં થઈ રહી છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે મોટા પ્રમાણમાં ઘઉં વિદેશમાં મોકલવામાં આવી રહ્યા છે.
દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા ગત વર્ષમાં કુલ ૩.૫ એમએમટી ઘઉં હેન્ડલિંગ કરાયા હતા. જયારે ચાલુ વર્ષના પ્રથમ ત્રણ સપ્તાહમાંજ ૦.૭૫ મિલિયન મેટ્રીક ટન જેટલો જંગી ઘઉંનો જથ્થો અત્યાર સુધીમાં હેન્ડલિંગ થઈ ચુક્યો છે. જે પ્રમાણે ઘઉંની નિકાસ થઈ રહી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગ છે,
તેને જાેતા ચાલુ નાણાકીય વર્ષમાં એકલા માત્ર કંડલાથી જ ૧૦ એમએમટી ઘઉં એક્સપોર્ટ થઈ શકે તેવી સંપુર્ણ સંભાવના છે. રશિયા અને યુક્રેન બંને દેશો વિશ્વના ઘણા દેશોને ઘઉં નિકાસ કરતા હતા. તે બંને યુદ્ધની સ્થિતિમાં મુકાતા એક્સપોર્ટ કરી શકે તેમ નથી, જેથી અન્ય દેશોમાં ઉભી થયેલી માંગને ભારત પૂરુ કરી રહ્યું છે.
આ અંગે શિપિંગ કંપનીના સંચાલક પ્રવિણભાઈ સંઘવીએ જણાવ્યુ કે, યુદ્ધને કારણે ખાડીના દેશો ઉપરાંત આફ્રિકન દેશોમાં પણ ઘઉંની માંગ ઉભી થઈ છે જેથી મોટા પ્રમાણમાં દિનદયાળ પોર્ટ પરથી ઘઉંની નિકાસ થઈ રહી છે.
જ્યારે દિનદયાલ પોર્ટના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ પણ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘઉની વિદેશમાં માંગ ઉભી થતા દિનદયાળ પોર્ટ પરથી મોટા પ્રમાણમાં ઘઉની નિકાસ થઈ રહી છે તેમ જણાવ્યું હતું.