Western Times News

Gujarati News

ગુજરાતી કિકબોક્સર બન્યા વર્લ્ડ કપ માટે ભારતની કિકબોક્સિંગ ટીમના કોચ

વડોદરા, સ્પોર્ટ્‌સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની વાત હોય ત્યારે ગુજરાતના લોકો સામાન્યપણે લડાયક વૃત્તિ ધરાવતી રમતોને વિકલ્પ તરીકે જાેવાનું પસંદ નથી કરતા, પરંતુ વડોદરાના આ યુવકે આ ક્ષેત્રમાં નામના મેળવી છે.

ઉલ્લેખનીય છે કે કિકબોક્સિંગ વર્લ્‌ડ કપ ટૂર્નામેન્ટ માટે નેશનલ ટીમના કોચ તરીકે વડોદરાના સિદ્ધાર્થ ભાલેઘરેની નિમણૂક કરવામાં આવી છે. સિદ્ધાર્થ પહેલા એવા ગુજરાતી છે જેમની આ દરજ્જા પર નિમણૂક કરવામાં આવી છે. ૨૮ વર્ષીય કિકબોક્સર સિદ્ધાર્થે જણાવ્યું કે, હું આ તકને કારણે ઘણો ઉત્સુક છું.

આપણી પાસે અનેક પ્રતિભાશાળી કિકબોક્સર્સ છે, જેમનામાં વર્લ્‌ડ કપ જીતવાની ક્ષમતા છે. હું અમારી ટીમ જીત સુધી પહોંચે તે માટે શક્ય તમામ પ્રયત્નો કરીશ. ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે ૧૨થી ૧૫ મે દરમિયાન ઈસ્તાન્બુલમાં સાતમા ટર્કિશ ઓપન કિકબોક્સિંગ વર્લ્‌ડ કપનું આયોજન થશે, જેમાં સિદ્ધાર્થ ટીમ સાથે ભાગ લેશે.

સિદ્ધાર્થે નાની ઉંમરથી જ કિકબોક્સિંગની શરુઆત કરી હતી અને આ રમતમાં વિવિધ ડિગ્રી પણ મેળવી હતી. વર્ષ ૨૦૧૪માં સિદ્ધાર્થે પોતાના કોચિંગ કરિયરની શરુઆત કરી. તે સમયે તે સંત કબિર સ્કૂલમાં વિદ્યાર્થીઓને કિકબોક્સિંગ શીખવાડવા જતા હતા.

ત્યારપછી તેમણે વિવિધ કેમ્પમાં પણ ખેલાડીઓને તાલીમ આપી. સિદ્ધાર્થ જણાવે છે કે, વર્લ્‌ડ કપમાં ઘણાં દેશો ભાગ લેવાના છે. ભારતથી નવ ખેલાડીઓ જશે, જેમાંથી એક ગુજરાતનો પણ હશે. વર્લ્‌ડ કપ ટીમનો ભાગ બનવું એ સન્માનની વાત છે.

ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ કિકબોક્સિંગ અસોસિએશન ઓફ ગુજરાતના અધ્યક્ષ પણ છે, અત્યાર સુધી તેમણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર કિકબોક્સિંગ અને કરાટેમાં ૧૪ ગોલ્ડ મેડલ જીત્યા છે અને અનેક સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે. સિદ્ધાર્થ જણાવે છે કે, હું મારા કોચિંગ ક્લાસમાં બાળકો અને વયસ્કોને કરાટે અને કિકબોક્સિંગની તાલીમ આપુ છું. ગુજરાતમાં હવે આ સ્પોર્ટ પ્રત્યે લોકો જાગૃત થયા છે.

સિદ્ધાર્થે ઈન્ટરનેશનલ રેફરી, નેશનલ કોચ અને નેશનલ રેફરી બનવા માટે કોર્સ પણ કર્યા છે. અમદાવાદના એક ઈન્સ્ટ્રક્ટર અભિષેક ઠક્કર જણાવે છે કે, અત્યાર સુધી લોકો કરાટે અને માર્શલ આર્ટની તાલીમ લેતા હતા, પરંતુ પાછલા થોડા સમયમાં કિકબોક્સિંગની પણ લોકપ્રિયતા વધી છે. યુવાનો માત્ર કારકિર્દીના વિકલ્પ તરીકે જ નહીં, ફિટનેસમાં સુધારો કરવા માટે પણ કિકબોક્સિંગ શીખતા હોય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.